સંયુક્ત રાષ્ટ્રોઃ સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવવા માટે ઘણા લાંબા સમયથી પ્રયાસરત રહેલા ભારત માટે સોમવારે સારા સમાચાર આવ્યા હતા. યુએનનીની સોમવારે યોજાયેલી બેઠકમાં સુરક્ષા પરિષદના વિસ્તાર માટે સહમતી સાધવામાં આવી હતી. ભારત માટે આ ખૂબ જ હકારાત્મક સંકેત માનવામાં આવે છે. ભારતીય રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી ઉપપ્રતિનિધિ ભાગવત બિશ્નોઈ દ્વારા ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય એવા ૨૦૦ દેશોએ સુરક્ષા પરિષદમાં ફેરફાર અને વિસ્તાર કરવા અંગે સહમતી દર્શાવી હતી. આગામી એક વર્ષ સુધીમાં તેમાં તમામ ફેરફાર હાથ ધરાશે. આ મુદ્દે નિર્ણય કરનારા મુખ્ય ૧૫ દેશો છે. તેમાં ચીન, રશિયા, ફ્રાંસ, અમેરિકા અને બ્રિટન પરિષદના સ્થાયી સભ્યો છે. જોકે, અંદરખાને અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશો આ મુદ્દે ભારત વિરોધી વલણ અપનાવે છે.
• મક્કા ક્રેન હોનારતમાં ૧૧ ભારતીયોના મોતઃ સાઉદી અરેબિયાના મક્કામાં આવેલી ગ્રાન્ડ મસ્જિદમાં વાર્ષિક હજયાત્રા શરૂ થાય તે પહેલા ગત સપ્તાહે થયેલી ક્રેન હોનારતમાં ૧૦૭ લોકોનાં મોત થયા હતા. આ ઘટનામાં હોનારત સમયે બે ભારતીયોના મોત થયાની ખાતરી થઈ હતી. ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જાહેરાત કરી હતી કે આ ઘટનામાં વધુ ૯ ભારતીયોના મોત થયાનું જાણવા મળ્યું છે. આ સાથે જ ભારતીયોનો મૃતાંક ૧૧ થયો છે. આ ક્રેન કેવી રીતે તૂટી પડી તેનાં કારણો શોધવામાં આવશે તેવી જાહેરાત કિંગ સલમાન દ્વારા કરવામાં આવી છે. મક્કામાં કાર્યરત એન્જિનિયરોએ ક્રેન તૂટી પડવાની ઘટનાને ‘દૈવી કૃત્ય’ ગણાવ્યું હતું. આ મસ્જિદનું નવીનીકરણ કરી રહેલી કંપની સાઉદી બિનલાદિન ગ્રૂપનાં એન્જિનિયરે દાવો કર્યો હતો કે ક્રેન ગોઠવવામાં કોઈ ટેકનિકલ ખામી હતી નહીં. અત્યંત પ્રોફેશનલ રીતે આ ક્રેન ગોઠવવામાં આવી હતી. આ ઘટનામાં કેટલાક ઈન્ડોનેશિયનો અને ચીની નાગરિકોનાં મોત થયાનાં અહેવાલો મળે છે.
• ભારતીય દવા કંપનીઓ કાળી યાદીમાંઃ યુએસ રેગ્યુલેટર્સ FDA દ્વારા વિશ્વસનીયતા કટોકટી સંદર્ભે ૩૯ ભારતીય લેબોરેટરીમાંથી દવાઓની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો છે. એમક્યોરના હિંજવાડી પ્લાન્ટમાં તૈયાર થતી દવાઓ સામે ઈમ્પોર્ટ એલર્ટ જારી કરાયું છે. આ વર્ષમાં અત્યાર સુધી છ સહિત ભારતમાં આવેલા ૩૯ દવા ઉત્પાદક પ્લાન્ટમાં બનતી દવાઓની આયાત પ્રતિબંધિત કરાઈ છે, જે ૨૭ દવા ઉત્પાદક કંપનીઓની માલિકીના છે. ભારતીય કંપનીઓ યુએસમાં વપરાતી જેનરિક મેડિસિન્સના આશરે ૩૦થી ૪૦ ટકાનું ઉત્પાદન કરે છે, જે બિઝનેસ ૪૪ બિલિયન ડોલરનો છે. ગયા મહિને યુરોપિયન યુનિયને ભારતીય બનાવટની ૭૦૦ જેનરિક ડ્રગ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
• BRIC રાષ્ટ્રજૂથનો વિકાસ મંદ પડ્યોઃબ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા અને ચાઈના અને સાઉથ આફ્રિકાના બનેલા BRICS રાષ્ટ્રજૂથનો વિકાસ મંદ પડી ગયો હોવાનું મનાય છે. આ જૂથના સ્ટાર પરફોર્મર ચીનના વિકાસમાં ભારે મંદી જણાય છે. એક સમયે ચીન વિશ્વના બીજા ક્રમનું અર્થતંત્ર હોવા સાથે અમેરિકાથી પણ આગળ નીકળી જશે તેમ મનાતું હતું. ૧૯૯૯માં સ્થાપિત મુખ્ય ચાર બ્રિક દેશોનું મહત્ત્વ ઘણું વધી ગયું હતું, પરંતુ ગયા વર્ષે ચારેય દેશોના વિકાસને ફટકો વાગ્યો છે. આગામી મહિનાઓમાં ચીનને વધુ મુસ્કેલ સમયનો સામનો કરવો પડશે તેમ કહેવાય છે.
• નાઈજિરિયાનું નાણાકીય એકીકરણ અવળા પાટેઃ યુએસ બેન્ક જેપીમોર્ગને થોડાં શબ્દો દ્વારા જ આફ્રિકાના સૌથી મોટા અર્થતંત્ર નાઈજિરિયાના નાણાકીય એકીકરણને અવળા પાટે ચડાવી દીધું છે. આ મહિનાના અંતથી નાઈજિરિયાને જેપીમોર્ગનના ઉભરતાં બજારના સરકારી બોન્ડ્સના વગશાળી ઈન્ડેક્સમાંથી દૂર કરાશે. યુએસ બેન્કે જાહેર કર્યું હતું કે પોતાના ચલણને સંરક્ષવાના નાઈજિરિયાના પ્રયાસોથી વિદેશી રોકાણકારો માટે વ્યવહારો વધુ જટિલ બન્યાં છે.