તહેરાનઃ રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર કાસીમ સુલેમાનીનું ઈરાનમાં કદ કેટલું મોટું હતું તે એ બાબત પરથી સમજી શકાય છે કે આ વર્ષના પ્રારંભમાં સુલેમાનીએ પાકિસ્તાનને ધમકાવ્યું હતું.
તેમણે પાકિસ્તાનને સવાલ કર્યો હતો કે તમે પરમાણુ બોમ્બ રાખો છો અને દેશમાંથી આતંકી જૂથોનો સફાયો નથી કરી શકતા? અમે પાકિસ્તાનને હંમેશા મદદ કરીએ છીએ, પરંતુ ત્યાંની સરકારને મારો સવાલ છે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો? તમારા બધા જ પડોશી દેશોની સરહદો પર તણાવ અને અશાંતિનું વાતાવરણ છે.
શું કોઈ એવો પડોશી દેશ બાકી છે, જેને તમે અસલામતીનો અનુભવ કરાવવા માગતા હો? તમારી પાસે તો એટમ બોમ્બ છે. છતાં તમે દેશમાંથી સક્રિય આતંકી સંગઠનોને ખતમ નથી કરી શકતા? પાકિસ્તાની સૈન્યે આમ ખર્વો ડોલર બરબાદ કરવા જોઈએ નહીં અને તેણે આતંકી સંગઠનોને ફંડિંગ કરવાનું બંધ કરવું જોઈએ.
શા માટે સુલેમાનીની હત્યા?ઃ અમેરિકાના દાવા
• સુલેમાની અમેરિકી રાજદ્વારીઓ, ઇરાકી અધિકારીઓ પર હુમલાની યોજનાઓ બનાવી રહ્યા હતા. • કુદ્સ ફોર્સ ૬૦૩ અમેરિકન સૈનિકોની હત્યા માટે જવાબદાર. • ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ્સ ૪૦ વર્ષથી ઇરાની સરકારના સમર્થન સાથે આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. • જર્મની, બોસ્નિયા, બલ્ગેરિયા, કેન્યા, બહેરિન અને તુર્કીમાં કુદ્સ ફોર્સના કાવતરાં ઝડપાયાં છે. • ઇરાન સમગ્ર વિશ્વમાં આતંકવાદ, હિંસા માટે ભંડોળ પૂરું પાડી રહ્યો છે. • ઇરાન અલ કાયદાના આતંકવાદીઓને આશ્રય આપી દક્ષિણ એશિયા અને સીરિયામાં મોકલી રહ્યો છે.
હવે શું થઇ શકે છે?
• અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની પ્રબળ સંભાવના. • યુદ્ધમાં અમેરિકાના સાથી ઇઝરાયેલ અને સાઉદી અરબ પણ જોડાઇ શકે. • ઇરાન સમર્થિત સંગઠનો અમેરિકાને વિશ્વભરમાં નિશાન બનાવશે. • અમેરિકી હિતો પર હુમલા થશે તો અમેરિકાની વળતી કાર્યવાહી નિશ્ચિત. • દુનિયાભરમાં ક્રૂડ તેલની અછત સર્જાવાનો ભય.