નેપી તાવઃ ભારત અને મ્યાનમાર વચ્ચે ૧૧મી મેએ સાત સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા હતાં. આ મુલાકાત દરમિયાન નેતાઓએ શાંતિ અને સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ પ્રાંતમાં હિંસાને પગલે લાખો મુસલમાનોને હિજરત કરવાની ફરજ પડી હતી.
૧૦મી મેથી મ્યાનમારની બે દિવસીય મુલાકાતે રહેલા સુષમા સ્વરાજ મ્યાનમાર ડિફેન્સ સર્વિસીસના સિનિયર જનરલ મિનિસ્ટર ઓંગ હલેંગને પણ મળ્યા હતા. બંને દેશો વચ્ચે થયેલી સાત સમજૂતીઓમાં સરહદ પર અવરજવર, બાગનમાં ક્ષતિગ્રસ્ત સ્તૂપના સંરક્ષણ, જાળવણી સહિતની સમજૂતીઓનો સમાવેશ થાય છે.
બંને દેશના નેતાઓ દ્વારા મોન્યાવામાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર (આઈટીસી)ની રચના કરવા અંગે પણ એક એમઓયુ કરાયો હતો. સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે બંને દેશના લોકો પાસપોર્ટ અને વિઝાની સાથે એકબીજાના દેશમાં સારવાર, શિક્ષણ, પ્રવાસ અને ધાર્મિક પ્રવાસ માટે સરહદ પાર અવરજવર કરી શકશે. સુષ્માએ રાખિન પ્રાંત સાથે જોડાયેલા મુદ્દાના ઉકેલ મ્યાનમાર સરકારને સમર્થન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.