ન્યૂ યોર્કઃ જો તમને જર્મન ભાષા આવડતી હોય અને સૂતા રહેવાનું પસંદ હોય તો તમે એમ કરીને પણ કમાણી કરી શકો છો. યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ)ને બે મહિના સુધી પથારીમાં સૂતા રહે એવા ૨૪થી ૫૫ વર્ષની વયના સ્વસ્થ લોકોને ૧૬,૫૦૦ યુરો (આશરે ૧૪ હજાર પાઉન્ડ) આપવાની ઘોષણા કરી છે. આ બંને અંતરિક્ષ એજન્સીઓ માનવ શરીર પર અંતરિક્ષમાં ઝીરો ગ્રેવિટી (શૂન્ય ગુરુત્વાકર્ષણ)ની કેવી અસરો થાય છે તે જાણવા ધરતી પર જ પ્રયોગો કરી રહી છે.
આ અનોખા પ્રકારના અભ્યાસ માટે બંને સ્પેસ એજન્સીઓને એવા લોકો જોઈએ છે કે જેઓ બે મહિના સુધી પથારી પર સતત સૂતા રહી શકે. આ અભ્યાસના આધારે આવશ્યક પગલાં લઇને અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં સ્વસ્થ રાખવામાં મદદ મળશે. આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન જર્મનીના કોલોન શહેરમાં જર્મન એરોસ્પેસ સેન્ટર (ડીએલઆર) શરૂ થઇ રહેલા આ અભ્યાસ માટે ૧૨ મહિલાઓ અને ૧૨ પુરુષોની પસંદગી કરાશે.
જર્મન એરોસ્પેસ સેન્ટરની વેબસાઈટ પર જણાવાયું છે કે ‘અમે ધરતી અને અંતરિક્ષ પર માનવ સ્વાસ્થ્યને સામાન્ય રાખવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ. આગામી સ્પેસ મિશનમાં અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર અને મંગળ પર અનેક દિવસો સુધી રહેવું પડશે. આ સમયે તેમના શરીર વજનવિહીન સ્થિતિની અસરમાંથી કઈ રીતે બહાર આવે એ માટેના ઉપાયો કરવા આવશ્યક છે.’
‘નાસા’ના આ ખાસ અભ્યાસમાં સામેલ થનારા લોકોને છ ડિગ્રીના એંગલ પર ઝૂકેલા પલંગ પર એ રીતે સૂવાનું રહેશે કે તેમનો એક ખભો હંમેશા ગાદલા સાથે સ્પર્શતો રહે. વિજ્ઞાનીઓનાં કહેવા પ્રમાણે, આ રીતે સૂવાથી હાથ અને પગમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં આ પ્રકારનો જ અનુભવ થતો હોય છે.
અભ્યાસમાં સામેલ થનારા લોકોએ આર્ટિફિશિયલ ગ્રેવિટી બેડ રેસ્ટ સ્ટડીમાં સામેલ થવાનું છે. આ અભ્યાસ કુલ ત્રણ મહિનાનો છે અને તેમાંથી બે તૃતિયાંશ લોકોને દરરોજ - તેઓ સૂતા હશે ત્યારે - ‘રોટેટ’ કરવામાં આવશે. સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી માટે ડીએલઆર એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર હંસજોગ ડિટ્ટસે કહ્યું હતું ‘આ બેડ રેસ્ટ સ્ટડી ડીએલઆર, નાસા અને ઈએસએ દ્વારા હાથ ધરાશે. જેમાં સ્પેસ રિસર્ચર્સને યુરોપ અને યુએસમાંથી આવકારવામાં આવે છે.’ આ પ્રકારના પ્રયોગોમાં અન્ય અનેક હેતુઓ પણ સામેલ છે. જેમ કે, પ્રયોગમાં સામેલ વ્યક્તિના કાર્ડિયોવાસ્ક્યુલર ફંકશન, બેલેન્સ અને મસલ સ્ટ્રેન્થની તપાસ પણ થશે. આ માટેના પ્રયોગમાં મસલ ટીસ્યુ બાયોપ્સીઝ, માઇક્રો-ડાયાલિસીસ, ઇલેક્ટ્રિકલ મસલ, એક્ટિવિટી અને નિયમિત બ્લડ સેમ્પલિંગ લેવા જેવી પ્રવૃત્તિઓ પણ સામેલ રહેશે.