ન્યૂ યોર્કઃ યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ના અવકાશયાન પાર્કર સોલર પ્રોબે સૂર્યને ‘સ્પર્શવા’નું અભૂતપૂર્વ પરાક્રમ કર્યું છે! એક સમયે અશક્ય જણાતી આ સિદ્ધિ સ્પેસક્રાફ્ટ દ્વારા આઠ મહિના પહેલા એટલે કે ગયા એપ્રિલમાં જ હાંસલ કરવામાં આવી હતી, પરંતુ અવકાશમાં લાખો કિલોમીટરના અંતરે ફરતા આ સ્પેસક્રાફ્ટથી માહિતી સુધી પહોંચવામાં અને પછી આ માહિતીનું વિશ્લેષણ કરવામાં વૈજ્ઞાનિકોને ઘણો સમય લાગ્યો. આશરે ૨૦ લાખ ડિગ્રી ફેરનહીટ તાપમાનમાં પણ મિશનને સફળતા સાંપડી છે, જેને વિજ્ઞાનીઓ જ્વલંત સિદ્ધિ ગણાવે છે. સૂર્યના બાહ્ય વાતાવરણ સુધી પહોંચવામાં સફળ રહેલા આ યાને સૂર્યનાં વાયુમંડળની સપાટીને ત્રણ વાર પાર કરી છે.
ત્રણ વર્ષ પૂર્વે લોન્ચ થયું કરાયું હતું યાન
‘નાસા’એ તેનું પાર્કર સોલર પ્રોબ અવકાશયાન ૧૨ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ લોન્ચ કર્યું હતું. તે નાસાના ‘લિવિંગ વિથ અ સ્ટાર’ પ્રોગ્રામનો એક ભાગ છે, જેના દ્વારા એજન્સીનો ઉદ્દેશ્ય સૂર્ય-પૃથ્વી સિસ્ટમના વિવિધ પાસાઓથી સંબંધિત માહિતીને સમજવા અને એકત્રિત કરવાનો છે. ‘નાસા’નું કહેવું છે કે પાર્કર પ્રોબમાંથી આપણને મળેલી માહિતી સૂર્ય વિશેની આપણી સમજને વધુ વિકસિત કરશે.