નવી દિલ્હી: સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફાઉરે ભારતના પ્રવાસે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ત્યાર બાદ ડેની ફાઉરેએ ભારતને તેમની જમીન પર નૌકાદળને મથક બનાવવાની ફરી મંજૂરી આપી દીધી હતી. સેશેલ્સની આ સંમતિ ઘણી જ મહત્ત્વની છે, કારણ કે થોડા દિવસ પહેલાં તેણે ત્રણ દિવસ જૂની સમજૂતી રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે, હવે તેની ચિંતાઓ દૂર થઈ ગઈ છે. ડેની ફાઉરે સાથે વાતચીત બાદ મોદીએ કહ્યું કે અમે એક-બીજાના અધિકારોની માન્યતાના આધાર પર એઝમ્પશન આઈલેન્ડ પ્રોજેક્ટ પર મળીને કામ કરવા માટે સંમત થયા છીએ. અમે લોકતંત્રના મૂળ સિદ્ધાંતોનું સન્માન કરીએ છીએ અને હિંદ મહાસાગરમાં શાંતિ, સલામતી અને સ્થિરતા સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છીએ.
સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની એન્ટોનીએ કહ્યું કે એઝમ્પશન આઈલેન્ડ પ્રોજેક્ટ પર અમે એક-બીજાનાં હિતોનું ધ્યાન રાખતા સાથે મળીને કામ કરીશું. એક સપ્તાહ પહેલાં ડેનીએ સેશેલ્સ મીડિયાને કહ્યું હતું કે જ્યારે તે ભારત જશે તો વડા પ્રધાન મોદી સાથે નૌકાદળના મથકના પ્રોજેક્ટ અંગે કોઈ ચર્ચા નહીં કરે. તેમનો દેશ આગામી વર્ષે તેના ભંડોળથી સૈન્ય મથકનું નિર્માણ કરશે.
બે કાચબા ભેટ
ભારતની મુલાકાતે આવેલા સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફાઉરેએ સદભાવનાના ભાગરૂપે ભારતને બે જાયન્ટ અલ્ડાબ્રા કાચબા ભેટમાં આપ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે લાંબુ આયુષ્ય ધરાવતા આ જીવે ત્રણ સદીઓ જોઈ છે અને તે 'અમારી લાંબી મૈત્રી'નું પ્રતીક છે. કાચબાની આ જોડી હૈદરાબાદ ઝૂમાં રખાશે. મિત્ર દેશોને અલ્ડાબ્રા કાચબા ભેટમાં આપવા એ સેશેલ્સની ડિપ્લોમસીનો ભાગ છે. પૂર્વ આફ્રિકન ટાપુ રાષ્ટ્રના આ બે કાચબાનું વજન ૧૨૦ અને ૧૫૦ કિલો છે.
રૂ. ૩,૭૪૭ કરોડનો ખર્ચ
એઝમ્પશન આઈલેન્ડ સેશેલ્સની રાજધાની વિક્ટોરિયાથી ૧૧૩૫ કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં છે. તે ૧૧.૬ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. તેની સમુદ્રી સરહદ ૧૭ કિ.મી. છે. ૨૦૧૫માં તેના પર મિલિટ્રી બેઝ બનાવવા માટે ભારત અને સેશેલ્સ વચ્ચે કરાર થયા હતા, પરંતુ સેશેલ્સમાં વિપક્ષોના આંદોલન બાદ સરકારે કરાર રદની જાહેરાત કરી હતી. ભારતે ૨૦૧૬માં અહીં એક કોસ્ટ સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરી હતી, પરંતુ આ પ્રોજેક્ટ પર અંદાજે રૂ. ૩,૭૪૭ કરોડનો ખર્ચ કરી રહ્યું છે.
ભારત દ્વારા લોન
ભારત અને સેશલ્સે છ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. તેમાં સલામતી, રક્ષા, જળ-વાયુ પરિવર્તન વગેરે સામેલ છે. ડેનીએ બહુપક્ષીય વેપાર સમજૂતી, સલામતી, સંરક્ષણ અંગે મોદીની પ્રશંસા કરી. ભારત, સેશેલ્સને સમુદ્રી સલામતી માટે રૂ. ૬૮૧ કરોડની લોન આપશે.