ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગત સપ્તાહે સેશેલ્સ, મોરેસિયસ અને શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. પ્રવાસની શરૂઆત તેમણે સેશેલ્સથી કરી હતી. સેશેલ્સમાં પર્યાવરણની જાળવણી માટે આજીવન અથાગ પરિશ્રમ કરી ચૂકેલા ગુજરાતના વતની કાન્તિલાલ જીવન શાહને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સેશેલ્સનું મુલાકાત દરમિયાન યાદ કર્યા હતા.
અહીં યોજાયેલા જાહેર સત્કાર સમારંભમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કાન્તિલાલ શાહ આજે જીવંત નથી, પણ સેશલ્સના લોકો તેમને હંમેશા યાદ રાખશે. પોતાના કામ વડે કાન્તિલાલ શાહે સેશેલ્સ અને ભારતના લોકોની પ્રશંસા મેળવી હતી. વિશ્વએ કાન્તિલાલનું તેમના યોગદાન માટે સન્માન કર્યું હતું. ગુજરાતમાં ૧૯૨૨માં જન્મેલા કાન્તિલાલ શાહ તેમના પરિવાર સાથે માત્ર પાંચ વર્ષની વયે સેશેલ્સ આવ્યા હતા. એ પછીનાં વર્ષોમાં ઈતિહાસકાર, પત્રકાર, ફોટોગ્રાફર, બિઝનેસમેન અને પર્યાવરણ જાળવણી માટે તેમણે ૩૦ વર્ષ કામ કર્યું હતું. ૨૦૧૦માં ૮૮ વર્ષે વિક્ટોરિયામાં કાન્તિલાલ શાહનું અવસાન થયું હતું.
કાળાં નાણાંના મોરેશિયસ રૂટ બ્લોક કરાશે
મોરેશિયસની સંસદમાં ભાષણ આપતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં કાળા નાણાના મોરેશિયસ રૂટને બ્લોક કરવા ઇચ્છે છે. મોટાભાગે મોરેશિયસ રૂટથી ગેરકાયદે નાણા વિદેશી રોકાણના રૂપમાં ભારતમાં ઉપયોગ કરતી હોવાના આક્ષેપ કંપનીઓ પર થતા રહે છે. તેને રોકવા ચર્ચા ચાલુ છે. ભારત-મોરેશિયસ ડબલ ટેક્સેસન એવોઇડેન્સ ટ્રીટી (ટીટીએટી)નું ઉલ્લંઘન રોકવા કામ કરશે. બંને દેશ સમજૂતીઓની સમીક્ષા માટે સહમત છે. જૂની સમજૂતીઓની લાંબા સમયથી સમીક્ષા નથી થઈ. વડા પ્રધાન મોદીએ તે આશ્વાસન પણ આપ્યું કે તેઓ એવું કોઈ પગલું નહીં જ લે કે જેનાથી મોરેશિયસના નાણાકીય ક્ષેત્રને નુકસાન થાય. મોરેશિયસના વડા પ્રધાન અનિરુદ્ધ જગન્નાથે કહ્યું કે, ભારતના અર્થતંત્રમાં બેંકિંગ ક્ષેત્રના મહત્ત્વને અમે સમજીએ છીએ.