અમદાવાદઃ યુએસ ફેડનો વ્યાજકાપનો સંકેત, જિયો પોલિટિકલ ઇશ્યુ, આર્થિક સંકટના ભયે સોનામાં આક્રમક તેજી જોવા મળી છે. ફેડે 2024માં ત્રણ વખત વ્યાજદરમાં ઘટાડો કરવાનું પગલું લેવામાં આવશે એવા સંકેત આપતા વૈશ્વિક બુલિયન માર્કેટમાં આક્રમક તેજી જોવા મળી છે. વૈશ્વિક સોનું 20 એપ્રિલે ઝડપભેર 50 ડોલરથી વધુ વધી 2235 ડોલરની વિક્રમી સપાટીને સ્પર્શી 2,200 ડોલરની સપાટીની આસપાસ ટ્રેડ થતું જોવા મળ્યું હતું.
ભારતના સ્થાનિક બજારમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,300નો ઝડપી ઉછાળો થઈ રૂ. 69,000ની સપાટીએ પહોંચ્યા હતા. જ્યારે ચાંદી પણ વધી રૂ. 75,000 થઈ હતી. માર્ચ મહિનામાં જ સોનામાં સરેરાશ સાત ટકાથી વધુની તેજી સાથે પ્રતિ 10 ગ્રામે ₹4,200 ઉછળ્યું છે. સ્થાનિક વાયદા બજારમાં સોનામાં ₹1,085 વધી ₹66,834 અને ચાંદીમાં ₹995 વધી ₹76,307ના સ્તરે સોદા થતાં હતા.
બુલિયન એનાલિસ્ટોના મતે વર્તમાન વૈશ્વિક પરિદૃશ્ય સૂચવે છે કે વર્ષ 2024ના અંત સુધીમાં સોનું 72 હજારની ટોચે પહોંચી શકે છે. છેલ્લા 15-20 દિવસમાં સોનાના ભાવમાં નોંધાયેલો વધારો આ સંકેત આપી રહ્યો છે. વિશ્વની વિવિધ સેન્ટ્રલ બેંકોએ આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. સમગ્ર વિશ્વ બે વર્ષથી ભૌગોલિક રાજકીય તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વમાં મોંઘવારી નિયંત્રણમાં નથી આવી સ્થિતિમાં ઊંચા વ્યાજદરના વાતાવરણમાં વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી પડવાની સંભાવના છે. આ કારણોને લીધે સોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
સોનાની તુલનાએ ચાંદીમાં ધારણા મુજબની તેજી જોવા મળી નથી. ચીનની અસ્થિરતાને કારણે ચાંદીમાં તેજીના ફંડામેન્ટલ હાલ નથી. દેશમાં આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. સલામત રોકાણ તરીકે રોકાણકારો સોનાને પ્રાધાન્ય આપી રહ્યાં છે. તેજી પાછળ ફિઝિકલ કરતા પેપર ગોલ્ડ પણ જવાબદાર કારણ સાબિત થઈ રહ્યું છે.
સોનું આ વર્ષમાં વધુ ચમકશે
સોનું છેલ્લા કેટલાક વર્ષોથી ડબલ ડિજિટમાં રિટર્ન આપી રહ્યું છે. સલામત રોકાણ તરીકે પણ વળતરદાયક રહ્યું છે. આગળ જતાં દરેક ઘટાડે ખરીદી કરવાથી સારું રિટર્ન આપે તેવી શક્યતા છે. આ વર્ષે સોનું ચમકશે. વૈશ્વિક સેન્ટ્રેલ બેન્કો ખાસ કરીને તુર્કી અને ચીન દ્વારા નોંધપાત્ર સોનું ખરીદવામાં આવ્યું છે. પ્રાપ્ત ડેટા અનુસાર સેન્ટ્રલ બેન્કોએ ચાલુ વર્ષના પ્રથમ આઠ મહિનામાં સળંગ સોનાની ખરીદી કરી હતી.