સૌથી ટૂંકા લગ્નઃ લગ્નના માત્ર ત્રણ મિનિટમાં ડિવોર્સ

Saturday 10th August 2024 11:15 EDT
 
 

કુવૈત સિટીઃ કુવૈતમાં એક કપલે લગ્ન કર્યાના માત્ર ત્રણ મિનિટમાં જ ડિવોર્સ લઈ લીધા હોવાનો વિચિત્ર કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અલબત્ત, આ ઘટના છે તો 2019ની, પણ ચર્ચાના ચોતરે અત્યારે ચડી છે. વાત એમ છે કે અમેરિકન મોડેલ અને પોડકાસ્ટ હોસ્ટ એમિલી રતાજ્કોવ્સ્કીએ ડિવોર્સના કારણે થતાં મેન્ટલ ટ્રોમા વિશે કાર્યક્રમ કર્યો હતો, જેને લગતી પોસ્ટમાં એક યુઝરે આ ઘટના વર્ણવી છે. ડિવોર્સના મામલે આ વિક્રમજનક સમય ગણાય છે.

યુઝરનો દાવો છે કે, કપલ કોર્ટરૂમમાંથી લગ્ન કરીને બહાર નિકળ્યું ત્યારે વેડિંગ ડ્રેસના કારણે યુવતી લથડિયું ખાઈ ગઈ હતી. આ જોઇને પતિએ તેને ‘સ્ટુપિડ’ કહેતાં જ નવવધૂએ પિત્તો ગુમાવ્યો હતો અને યુવતીએ તરત જ પાછા કોર્ટમાં પહોંચી જઈને પોતાને ડિવોર્સ આપી દેવા કહી દીધું. કોર્ટે પણ તેની અરજી માન્ય રાખીને તાત્કાલિક ડિવોર્સ પણ આપી દેતાં માત્ર 3 મિનિટમાં બંને છૂટાં પણ થઈ ગયાં હતાં.

જોકે, ઘણાં લોકો આ વાતને અતિશયોક્તિભરી ગણાવે છે, પરંતુ આવું બને છે. 2004માં યુકેમાં સ્કોટ મેકી અને વિક્ટોરીયા એન્ડરસને લગ્નના માત્ર 90 મિનિટમાં ડિવોર્સ લીધાં હોવાનો કિસ્સો નોંધાયેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter