કેનકન (મેક્સિકો)ઃ મ્યુઝિયમનું નામ સાંભળતાની સાથે જ આપણા દિલોદિમાગમાં પૌરાણિક અવશેષોથી માંડીને જાતજાતની પ્રતિમાઓના સંગ્રહની કલ્પના આપણા દિલોદિમાગમાં છવાઇ જાય છે અથવા તો પછી દુબઇમાં સાકાર થયેલું અત્યાધુનિક ફ્યૂચર મ્યુઝિયમ નજર સામે તરી આવે છે. જોકે આજે આપણે દુનિયાના એવા મ્યુઝિયમ અંગે વાત કરવી છે જેને નિહાળવા માટે પાણીની અંદર પહોંચવું પડે છે. આ મ્યુઝિયમનું નામ જ છે અંડરવોટર આર્ટ મ્યુઝિયમ. ‘મુસા’ તરીકે ઓળખાતું આ મ્યુઝિયમ સાઉથ અમેરિકાના દેશ મેક્સિકોના કેનકન શહેરમાં આવેલું છે. આ દુનિયાનું સૌથી મોટું અંડરવોટર મ્યુઝિયમ છે.
મ્યુઝિયમની શરૂઆત 2009ના વર્ષમાં નેશનલ મરિન પાર્કના ડાયરેક્ટર જેમ ગોન્સાલ્વીસ કેનોએ કરી હતી. અહીં દરિયાની સપાટીથી 15થી 29 ફૂટ નીચે 500થી વધુ લાઇફ સાઇઝ મૂર્તિઓ ગોઠવાઇ છે. આ મ્યુઝિયમને બનાવવાનો હેતુ કોરલ રિફ્સની સુરક્ષા કરવાનો છે, જેથી અહીં મૂકવામાં આવેલી મૂર્તિઓને એવા ક્રોંક્રિટથી બનાવવામાં આવી છે જેનાથી કોરલ રિફ્સ, દરિયાઈ જીવ અને પાણીને કોઇ પણ પ્રકારનું નુકસાન ન થાય. આ મૂર્તિઓમાં ઉપયોગ કરવામાં આવેલ સિમેન્ટ કોરલ રિફના વિકાસને પ્રોત્સાહન આપે છે. આમ એક રીતે તો આ મૂર્તિઓ કોરલ રિફ્સનું જ કામ કરે છે.
આ મ્યુઝિયમમાં જેસન ડીકેકેરસ, કેરેન સેલાઈનાસ, રોબર્ટા અબ્રાહમ, રોડ્રિગો રૈયાસ અને સાલ્વાડોર એનિસ જેવા કલાકારોની મૂર્તિઓ દર્શાવવામાં આવી છે. અહીં રાખવામાં આવેલી મૂર્તિઓ માનવી અને કુદરતના સંબંધોની ઝલક રજૂ કરે છે.