ઇન્ડોનેશિયાના બાલીમાં આવેલા ગરુડ વિષ્ણુ કેનકાના સાંસ્કૃતિક પાર્કમાં સ્થાપિત અને જીડબ્લ્યુકે નામે જાણીતી ગરુડ વિષ્ણુ કેનકાના પ્રતિમા ઇન્ડોનેશિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમાને 1990માં ન્યોમન નુઆર્ટાએ ડિઝાઇન કરી હતી, જ્યારે તેનું નિર્માણકાર્ય 1997માં શરૂ થયું હતું. આ પ્રતિમાનું સ્વરૂપ હિન્દુ ધર્મની એક પૌરાણિક કથાથી પ્રેરિત છે. પૌરાણિક કથા અનુસાર, ગરુડે તેની માતાને સાંપોની માતા કદ્રૂના દાસીત્વમાંથી મુક્તિ અપાવવા માટે દેવતાઓ પાસેથી અમૃત કળશ છીનવી લીધો હતો અને ગરુડની આ માતૃભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુએ તેને સદૈવ પોતાના વાહન સ્વરૂપે સાથે રાખવાનો સ્વીકાર કર્યો હતો.