બર્લિન: એવું નથી કે આ ભાઇ કોઈ ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. તેઓ વ્યવસાયે રોબોટિક્સ એન્જિનિયર છે અને તેમણે પોતાનો ડ્રેસ કોડ એવો બનાવી રાખ્યો છે કે કોઇનું પણ ધ્યાન તેમના તરફ ખેંચાયા વગર રહે નહીં. કોઈ પણ સ્થળે જોશો એ તમને મહિલાઓના કોર્પોરેટ સૂટથી લઈને મિની સ્કર્ટ્સમાં જોવા મળી શકે છે.
માણસ શું છે પહેરે છે અને શું નથી પહેરતો, એ તેની પસંદગીનો વિષય છે. કપડાંના મામલે દરેક વ્યક્તિને પોતાની પસંદ-નાપસંદ હોય છે. પરંતુ આ ભાઇને પુરુષ હોવા છતાં પણ મહિલાના કપડાં ખૂબ પસંદ આવે છે.
અમેરિકાના ટેક્સાસનો મૂળ નિવાસી માર્ક જર્મનીમાં રહે છે અને તે વ્યવસાયે રોબોટિક એન્જીનિયર છે. તે પોતાની ઓફિસે આવાં જ કપડા પહેરીને જાય છે. તેનું કહેવું છે કે, તે કપડામાં કોઈ જેન્ડર જોતો નથી. એક જેવા કપડાં પહેરીને તે કંટાળી ગયો અને પછી આવું એક્સપેરિમેન્ટ શરૂ કર્યો. 63 વર્ષના આ શખ્સનું નામ માર્ક બ્રાયન છે, તે પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં છે. જો મહિલા પેન્ટ સૂટ પહેરી શકે છે તો માર્ક પણ ગમે ત્યાં મહિલાઓના સ્કર્ટ અને ફુટવેર તરીકે હાઈ હીલ્સ પહેરીને નીકળી પડે છે.
પોતાની પત્ની સાથે શોપિંગ કરતાં કરતાં તેને આ પ્રકારના કપડાંની સમજ આવવા લાગી. 20 વર્ષ સુધી એક જ પ્રકારનાં કપડાં પહેરીને થાકી ચુકેલા માર્કે પોતાની સ્ટાઈલ બદલી અને વર્ષ 2015માં તેણે હાઈ હીલ્સ પહેરવાનું શરૂ કર્યું. જોકે, લોકોએ ઓફિસમાં તેની મજાક ઉડાવી અને અમુક લોકોએ તો તેને સમલૈંગિક પણ કહ્યો. જોકે એક સફળ લગ્ન અને 3 બાળકોના પિતા બની ચુકેલા માર્કનું સ્પષ્ટ કહેવું છે કે, કપડાની કોઈ જાતિ હોતી નથી. તેને જે પણ પહેરવાનું સારું લાગે છે તે પહેરી શકે છે.
માર્કની પત્નીને પણ પોતાના પતિની આવી અતરંગી સ્ટાઈલ સામે કોઈ વાંધો નથી. છેલ્લા પાંચ વર્ષથી તે ઓફિસ જતી વખતે સ્કર્ટ અને હીલ્સ પહેરીને જ જાય છે. માર્ક જણાવે છે કે, કોલેજના સમયથી જ પોતાની સ્ટાઈલમાં ચેન્જ લાવવાનું વિચારતો હતો. તે પહેલા હાઈ હીલ્સ જાહેરમાં નહોતો પહેરતો, પણ રુમમાં પહેરીને ટ્રાય કરી જોઇ. હીલ્સ પહેરવાથી તેનામાં કોન્ફીડન્સ આવ્યો. હવે તે મેન સ્ટાઈલના ટોપ્સની સાથે ફીમેલ સ્કર્ટ્સ પહેરે છે.
છ ફુટની હાઈટ ધરાવતા માર્કની આ સ્ટાઈલ જોવામાં ખૂબ જ ઈમ્પ્રેસિવ લાગે છે. લોકો તેને ઘણી વાર વિચિત્ર નજરે જુએ છે, પણ માર્કનું કહેવું છે કે, તે એવી ઉંમરમાં છે, જ્યાં તેને આવી બધી વાતોથી કોઈ ફરક પડતો નથી.