હ્યુસ્ટનઃ ભારતવંશી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને લઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પહોંચેલા બોઈંગના અંતરીક્ષ યાન સ્ટારલાઈનરમાં ગંભીર યાંત્રિક ખામી સર્જાયાના સમાચાર છે. છઠ્ઠી જૂને પૃથ્વી પરથી રવાના થયેલું યાન અઠવાડિયા બાદ પૃથ્વી ૫૨ પાછું આવવાનું હતું પરંતુ ટેક્નિકલ ખામીના કારણે પૃથ્વી પર પરત ફરવાનું તેનું મિશન ત્રણ વખત મુલત્વી રાખવું પડ્યું છે. આ યાનમાં 58 વર્ષનાં સુનીતાની સાથે 61 વર્ષના મિશન કમાન્ડર બુચ વિલ્મોર પણ છે.
યાનના પ્રોપેલરમાં હિલિયમ લીક થવાની સાથે સાથે યાનના સંચાલન માટે ઉપયોગમાં લેવાતા થ્રસ્ટર્સમાં પણ ખામી સર્જાઈ હોવાના અહેવાલ છે. હાલ આ સમસ્યાઓ દૂર કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. સ્ટારલાઇનર પહેલાં 14 જૂને પરત આવવાનું હતું. આ પછી ગયા અઠવાડિયે તેની તારીખ લંબાવીને 22 જૂન કરવામાં આવી હતી. આ પછી 26 જૂને તેમના પરત ફરવાની જાહેરાત થઇ હતી, અને હવે આ દિવસે પણ તેનું પરત ફરવાનું મિશન મુલત્વી રહ્યું છે.
‘નાસા’ના પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચના કહેવા પ્રમાણે હિલિયમ લીકેજ રિપેર કરવામાં અને થ્રસ્ટર્સની ખામી દૂર કરવામાં થોડો વધુ સમય લાગશે અને એટલે યાનને પરત લાવવા માટેની અમારી યોજનાઓ તૈયાર છે કે નહીં તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. બન્ને અવકાશયાત્રીઓ વિલ્મોર અને સુનિતા અંતરીક્ષમાં લગભગ 20 દિવસ જેટલો સમય ગાળી ચૂક્યાં છે. આ સમયગાળો તેમના પરત આવવાના નિર્ધારિત આઠ દિવસ કરતાં બમણાથી પણ વધુ છે.
યાનમાં 4 મહિના સુધી ચાલે તેટલું ભોજન અને અન્ય ઉપયોગી વસ્તુઓ છે. સાથે જ મર્યાદિત ઈંધણને કારણે યાન આઇએસએસ પર માત્ર 45 દિવસ સુધી જ રોકાઈ શકે છે, પરંતુ જો 45 દિવસ પછી પણ સમસ્યાનું સમાધાન નહીં થાય તો ‘નાસા’એ કોઈ યોજના તૈયાર કરી છે કે નહીં, તે સ્પષ્ટ નથી.
કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે અવકાશયાત્રીઓને બચાવવા અને તેમને પરત લાવવા માટે ‘નાસા’એ બોઇંગના પ્રતિદ્વંદ્વી એટલે કે એલન મસ્કના સ્પેસએક્સની મદદ લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.