લંડનઃ બીબીસીની ડોક્યુમેન્ટરી એક્સપિડિશન ન્યૂ અર્થમાં સ્ટીફન હોકિંગ્સ અને તેમના સ્ટુડન્ટ ક્રિસ્ટોફ ગલફર્ડ હવે પૃથ્વી બહારની દુનિયામાં માનવજાતિ માટે જીવનની શોધ કરતા નજર આવે છે. આ ડોક્યુમેન્ટરીમાં હોકિંગ્સે દાવો કર્યો છે કે, ૧૦૦ વર્ષની અંદર જ પૃથ્વી વિનાશ પામશે. તેથી તમામ લોકોએ પૃથ્વી છોડીને અન્ય ગ્રહ પર ચાલી જવું જોઈએ. તેમણે આ વાત જળવાયુ પરિવર્તન, વધતી વસ્તી અને ઉલ્કા પિંડોના ટકરાવથી પેદા થનારી પરિસ્થિતિઓથી બચવા માટે કહી છે. તેમણે ડોક્યુમેન્ટરીમાં કહ્યું છે કે, માનવજાતિએ જો જીવતું રહેવું હોય તો તેને અન્ય કોઈ ગ્રહ પર જીવનની શોધ કરવી પડશે. એક ઈન્ટરનેશનલ રિપોર્ટ મુજબ, આ શોનો હેતુ બ્રિટનના સૌથી મોટા આવિષ્કારની શોધ કરવાનો છે. જેમાં લોકોને એવું પૂછવામાં આવશે કે કયા આવિષ્કારે તેમના જીવનને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે.
હોકિંગ્સે ચેતવણી આપી હતી કે, ટેકનિકલ વિકાસની સાથે માનવીની આક્રમકતા વધુ ખતરનાક થઈ ગઈ છે. આ પ્રવૃત્તિ પરમાણુ કે જૈવિક યુદ્ધના માધ્યમથી આપણે સૌનો વિનાશ કરી શકે છે. તેમનું કહેવું છે કે એક વૈશ્વિક સરકાર જ આપણને તેનાથી બચાવી શકે છે. નહિ તો માનવ પ્રજાતિ તરીકે જીવિત રહેવાની યોગ્યતા ગુમાવી દેશે.
૭૫ વર્ષના વિકલાંગ સ્ટીફન હોકિંગ્સ મોટર ન્યૂરોન નામની બીમારીથી પીડિત છે. તેઓ બોલી શક્તા નથી અને શારીરિક રીતે અક્ષમ છે. પરંતુ ઈન્ટેલ દ્વારા બનાવાયેલા ખાસ મશીનના માધ્યમથી તેઓ દુનિયા સુધી પોતાની વાત અને તેમની શોધ પહોંચાડે છે.