• કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો રાજકીય જંગ જામી રહ્યો છે. ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 189 ઉમેદવારોની આ યાદીમાં 52 નવા ચહેરાનો સમાવેશ થાય છે.
• રાજસ્થાનમાં કોંગ્રેસમાં જામેલી યાદવાસ્થળીનો અંત નજીકમાં દેખાતો નથી. એક સમયે કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી ગેહલોતના હાથ નીચે નાયબ મુખ્ય મંત્રી પદ સંભાળનાર સચિન પાઇલટે મુખ્ય મંત્રી ગેહલોત ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી રહ્યા હોવાના આરોપ સાથે ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. હાઇ કમાન્ડની ચેતવણી છતાં મંગળવારે તેઓ પાંચ કલાકના અનશન પર બેઠા હતા.
• જલંધરના શાહકોટ વિસ્તારમાં પોલીસને ચકમો આપીને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સાથે ફરાર થયેલા પપલપ્રીત સિંહની પોલીસે 23 દિવસ પછી સોમવારે ધરપકડ કરી છે. પપલપ્રીત અમૃતસરમાં આત્મસમર્પણ કરવાની તાકમાં હતા. જોકે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો છે. પપલપ્રીત પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ) લગાવાયો છે.
• ટેસ્લા કંપનીની સર્વેસર્વા એલન મસ્કે હવે ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરવાનું શરૂ કર્યું છે. મસ્ક દુનિયાભરમાંથી માત્ર 195 લોકોને ફોલો કરતા હતા, જેમાં હવે મોદીનું નામ ઉમેરાયું છે. તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેનને પણ ફોલો કરતા નથી.
• ગુજરાત સરકારે આખરે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી છે. 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતા પૂલ દુર્ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનાર નગરપાલિકાનો કારભાર હવે સરકાર નિયુક્ત વહીવટદાર સંભાળશે.
• ભારતનાં અનેક રાજ્યોમાં હીટવેવને કારણે લૂ તેમજ ગરમ પવન ફૂંકાઇ રહ્યો છે. લાખો લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યાં છે ત્યારે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. તેના જણાવ્યા મુજબ આ વર્ષે સંભવતઃ અલ નિનોના દરિયાની સપાટી પર વહેતા ગરમ હવાના પ્રવાહો ચોમાસાની ગતિવિધિને ખોરવી શકે છે. આ વર્ષે અલ નિનો ચોમાસા પર તેની અસરો જન્માવે તેવી સંભાવના છે.