સિયોલ: આપણે બધા હવે ફોલ્ડેબલ સ્ક્રીન ધરાવતા ફોનથી વાકેફ છીએ, પણ હવે ભવિષ્યમાં તમને એવા ડિવાઇસ જોવા મળી શકે છે જેને તમે કપડાં ઉપર સ્ટીકરની જેમ ચિપકાવીને આસાનીથી હરફર કરી શકશો. વાત એમ છે કે ડિસ્પ્લે સ્ક્રીન બનાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત કોરિયાની એલજી કંપની હવે ડિસ્પ્લે ટેક્નિકમાં ફેરફાર કરીને અનોખી સ્ક્રીન બનાવી રહી છે. હાલમાં જ કંપનીએ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે રજૂ કરી છે, જેમાં તેને વેઅરેબલ પ્રોડક્ટ એટલે કે શર્ટ, ટીશર્ટ અને બેગ ઉપર લગાવવાની યોજના છે. કંપનીએ તાજેતરમાં સિયોલ ફેશન વીકમાં આ ડિસ્પ્લેની જાણકારી આપી હતી.
સિલિકોન મટીરિયલ્સની ડિસ્પ્લે
રિપોર્ટ પ્રમાણે આ ડિસ્પ્લેને 12થી 14 ઇંચ સુધી સ્ટ્રેચ કરી શકાશે. આ ડિસ્પ્લેને સિલિકોન મટીરિયલ્સથી તૈયાર કરવામાં આવી છે, જેનાથી તેને રબરબેન્ડ જેવી સ્ટ્રેચ મળે છે. ફોલ્ડેબલ અને સ્ટ્રેચેબલ હોવા ઉપરાંત તેમાં સ્ટાન્ડર્ડ મોનિટરની માફક ઈમેજ ક્વોલિટી હશે અને કલર સ્પેક્ટ્રમ પણ હશે. નોંધનીય છે કે કોરિયન સરકાર એવી ડિસ્પ્લે તૈયાર કરવા માગે છે જે ન માત્ર વજનમાં હલકી અને પાતળી હોય પણ સાથે સાથે ચામડી અને કપડાં ઉપર પણ લગાવી શકાય.
ડિસ્પ્લેને ન્યૂ જનરેશનના ફોનમાં બદલી શકાશે
કંપનીના જણાવ્યા પ્રમાણે આ ડિસ્પ્લે સંપૂર્ણપણે સ્ટ્રેચેબલ હશે. સાથે તેને વાળી પણ શકાશે. આનાથી ડિસ્પ્લેની કામગીરી ઉપર કોઇ અસર પડશે નહીં. વેઅરેબલ્સ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં આ અનોખી ડિસ્પ્લેની મદદથી ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાશે. આ ડિસ્પ્લેને નવા જનરેશનના ફોનમાં પણ તબદીલ કરી શકાશે. એલજી કંપની છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારના સ્ટ્રેચેબલ ડિસ્પ્લે બનાવવા માટે કામ કરી રહી છે. એલજી ડિસ્પ્લેના ચીફ ટેક્નોલોજી ઓફિસર સૂ મૂંગ યૂન કહે છે કે સ્ટ્રેચેબલ ડિસ્પ્લેનો રાષ્ટ્રીય પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી અમે કોરિયાઈ ડિસ્પ્લે ટેક્નિકને એક અલગ પ્રકારના લેવલે લઇ જઇશું.