ટોકિયોઃ બિઝનેસ ચલાવવા માટે લોકો કેવા કેવા જાતભાતના અખતરા કરતા હોય છે તે જોવા અને જાણવા જેવું છે. જાપાનની એક હોટેલે ખાસ મહિલાઓ માટે એક ઓફર બહાર પાડી છે, જેમાં મહિલાઓ એકાંતમાં પોતાનાં દુઃખને લઈને રડી શકે છે. જાપાનના ટોકિયોમાં ધ મિત્સુઇ ગાર્ડન યોત્સુયા હોટેલે એક ગજબ ઓફર બહાર પાડીને લોકોને ચોંકાવી દીધાં છે.
આ હોટેલ દ્વારા માનસિક પીડા અનુભવતી કે પછી કોઈ મિત્ર કે પરિવારજન દ્વારા પોતાનાં મનને પહોંચેલી ઠેસને લઈને તાણમાં દિવસો વીતાવતી મહિલાઓ માટે એક ખાસ રૂમ ડિઝાઈન કરવામાં આવ્યો છે, જેમાં મહિલાઓ પોતાનાં દુઃખને યાદ કરીને એકાંતમાં પેટ ભરીને રડી શકે છે.
હોટેલે પત્રકાર પરિષદ યોજી આ નવી ઓફરની જાહેરાત કરી છે, જેમાં આ સ્કીમ માત્ર ૩૧મી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું. ગયા મહિને શરૂ થયેલી આ હોટેલમાં મહિલાઓ માટે એક સિંગલ રૂમ ખાસ રીતે ડિઝાઈન કરાયો છે. જેમાં ખાસ પ્રકારના લક્ઝરિયસ ટિસ્યૂ પેપર અને આઈમાસ્ક સાથે આંસુ આપે તેવી ફિલ્મો અને બુકોની સુવિધા આપવામાં આવી છે. આ હોટેલમાં એક મહિલા માટે એક નાઇટ રહેવાનો ખર્ચ પાંચ હજાર રૂપિયા છે, જેમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.