સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના દેહાંત બાદ તેમનામાં પ્રાણ પૂરી મોતના મુખમાંથી પાછા લાવ્યા હતા તે વાતથી આપણે સૌ વાકેફ છીએ. આવો જ ચમત્કાર આજના આધુનિક યુગમાં થયો છે. જી હા, અોસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં રહેતા કેટ અને ડેવિડ અોગ નામના યુગલે ૨૦૧૦માં અધુરા માસે જન્મેલા તેમના નવજાત દિકરાના આયુષ્ય માટે જ્યારે ડોક્ટરોએ આશા છોડી દઇ હાથ ઉંચા કરી દીધા હતા ત્યારે તેને છાતી સરસો ચાંપીને નવજીવન આપ્યું હતું. જેમી નામનો એ દિકરો આજે પાંચ વર્ષનો અને તંદુરસ્ત છે.
કેટને ૧૪ સપ્તાહ જેટલી વહેલી પ્રસુતી થઇ હતી અને તે સમયે તેના જોડકા બાળકો પૈકી જેમી નામનો દિકરો નિશ્ચેત થઇ ગયો હતો. હ્રદયની થોડી ધડકનો બાકી હતી અને તે શ્વાસ લઇ શકતો નહતો ત્યારે તબીબોએ તેને બચાવવા ૨૦ મિનિટ મહેનત કરી હતી. પરંતુ કોઇ પ્રતિભાવ ન મળતા તેમણે હાથ ઉંચા કરી દીધા હતા.
પરંતુ મા તે મા, એમ પોતાનો દિકરો નજર સામે દેહ છોડી દે તે કઇ માતા સહન કરી શકે. કેટે મક્કમ મને તમામ ડોક્ટર અને નર્સોને રૂમમાંથી બહાર નીકળી જવા જણાવ્યું હતું અને દિકરા જેમીને છાતી સરસો ચાંપી દીધો હતો. કેટે પતિ ડેવિડને પણ તેનો શર્ટ કાઢી પલંગમાં પોતાની સાથે સુઇ જઇ દિકરાને આલિંગન આપવા જણાવ્યું હતું. કેટ અને ડેવિડે દિકરા જેમીને હુંફાળુ આલિંગન આપતાં જ તેનામાં જાણે પ્રાણનો સંચાર થયો હતો અને જેમીના શ્વાસ તેજ થવા લાગ્યા હતા. બસ જાણે કે એક તણખો મળ્યો હોય એમ જેમી બચી ગયો હતો. તુરંતુ જ ડોક્ટરો અને નર્સો મદદે આવી ગયા હતા અને આજે જેમી હેમખેમ છે. તબીબો માને છે કે 'સ્કીન ટુ સ્કીન' ટેકનીકની આ કમાલ છે.
અોગ દંપત્તીએ અધુરા માસે જન્મેલા અને બીમાર નવજાત બાળકો માટે એક ચેરીટી 'મીરેકલ બેબી ફાઉન્ડેશન'ની સ્થાપના કરી છે.
000000000