લંડનઃ વિખ્યાત સાહિત્યકાર વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે ‘નામમાં શું રાખ્યું છે?’, પણ સ્પેનના આ પરિવાર માટે નામ જ સર્વસ્વ છે એમ તમે કહી શકો. સ્પેનના રાજવી પરિવારના સભ્ય એવા એક કપલે તેમની દીકરીના નામમાં આખો પરિવાર સમાવી લીધો છે. સ્પેનના ફર્નાન્ડો ફિટ્ઝ-જેમ્સ સ્ટુઅર્ટ અને પત્ની સોફિયા પેલાઝુએલોની પુત્રી માટે આ અનોખું નામ જ તેની ઓળખ બની ગઈ છે. ચર્ચામાં રહેલી બાળકીનો જન્મ ગયા જાન્યુઆરીમાં થયો હતો. આ મહિનાની શરૂઆતમાં તેના નામકરણ સમારોહમાં તેનું પૂરું નામ જાહેર કરાયું હતુંઃ ‘સોફિયા ફર્નાન્ડા ડોલોરેસ કેયેટાના ટેરેસા એન્જેલા ડે લા ક્રૂઝ માઇકેલા ડેલ સેન્ટિસિમો સેક્રામેન્ટો ડેલ પેરપેતુઓ સોકોરો ડે લા સેન્ટિસિમા ટ્રિનિડેડ વાય ડી ટોડોસ લોસ સેન્ટોસ.’
જીભના લોચા વાળી દે તેવું આ નામ સ્થાનિક કાયદા અનુસાર પણ ખૂબ લાંબું છે. આ નાની બાળકીનું આટલું મોટું નામ ફર્નાન્ડોની સ્વર્ગસ્થ દાદી ડચેઝ ઓફ આલ્બાના સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે, જેઓ 2014માં અવસાન પામ્યાં હતાં અને ત્યારે તેઓ વિશ્વમાં સૌથી વધુ ટાઇટલ ધરાવતાં વ્યક્તિ તરીકેની ઓળખ ધરાવતા હતાં. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર તેમણે વારસામાં અને લગ્નજીવન બાદ કુલ મળીને 57 ટાઇટલ મેળવ્યાં હતાં. આ દંપતીને બીજી એક પુત્રી છે બે વર્ષની અને તેનું નામ છે, ‘રોઝારિયો માટીલ્ડે સોફિયા કેયેટાના ડોલોરેસ ટેરેસા.’