લંડનઃ વર્ષ ૨૦૧૮માં સ્પેનની ૧૧ જેટલી ગુફાઓમાંથી સદીઓ પુરાણા ૫૦ જેટલા ચિત્રો મળ્યા હતા. યુકે યુનિવર્સિટીના સંશોધકોએ સ્પેનની વિવિધ ગુફામાંથી મળી આવેલી પેઈન્ટિંગ જેવી આ ચિત્રકૃતિઓ ૪૦થી ૬૫ હજાર વર્ષ જૂની હોવાનું તારણ કાઢ્યું છે. જે સમયે આધુનિક માનવી ન હતો અને કળાનો વિકાસ પણ થયો ન હતો એ સમયમાં ચિત્રકળા નવાઈજનક છે. આફ્રિકા અને યુરોપમાં આધુનિક માનવીઓના પગરણ થયાં તેના પણ ૨૦થી ૩૦ હજાર હજાર વર્ષ પૂર્વેની આ કલાકૃતિઓ હોય તો - પુરાતત્વવિદો અને નૃવંશશાસ્ત્રીઓના મતે - શક્ય છે કે માનવજાતના પૂર્વજ નિએંડરથલે આ કલાકૃતિઓ રચી હોય. નિષ્ણાતો કહે છે કે ટૂંકા પગ અને વિશાળ શરીર ધરાવતા નિએંડરથલને અસભ્ય અને પછાત ગણવામાં આવે છે પરંતુ તેની કળાકૃતિની આવડતના પુરાવા - સંશોધન કંઇક જૂદું જ કહે છે. કેટલાક પુરાતત્વ નિષ્ણાતો પેઈન્ટિંગ જેવા રંગને કુદરતી સર્જન સમજીને આર્યન ઓક્સાઈડ વહેવાથી ઉપસેલી છાપ સમજતા હતા. જોકે, ત્રણ વર્ષના ઘનિષ્ઠ સંશોધનને અંતે હવે પુષ્ટિ થઈ છે કે સ્પેનની અરદાલેસ નામની ગુફામાં સ્ટેલેગ્માઈટો પર મળેલી આ લાલ આકૃતિઓ એ કળાકૃતિ છે જે નિએંડરથલોએ જ બનાવી હતી. ગુફામાં જે સ્થળેથી આ ચિત્રો - નિશાન મળ્યા છે તે પ્રાકૃતિક રીતે થતી પ્રક્રિયા માટે જરા પણ અનુકૂળ નથી. આ નિશાન કોઇ સજીવ દ્વારા લગાવાયા હતા.
ગુફામાં જે પણ રંગો ચિતરવામાં આવ્યા છે તેમાં ૫ણ ૧૦ હજાર વર્ષનું અંતર જોવા મળે છે. મતલબ કે નિએંડરથેલ ગુફામાં આવીને આ પેઈન્ટિંગ્સ બનાવતા હતા. જોકે, નિએંડરથલની આ કળા પ્રાગૈતિહાસિક માણસ દ્વારા સર્જવામાં આવેલા ગુફા ચિત્રોની સરખામણીમાં જુદા પડે છે. આ કળા કોઈ ચોક્કસ પરિભાષા મુજબ નહીં, પરંતુ કોઈ ચોક્કસ સ્થળને સાંકેતિક રીતે યાદગાર બનાવવાના ઈરાદાથી કરેલો ચિત્રાત્મક વ્યવહાર જણાય છે. જોકે, આ એક એવા ચિત્રો છે જેનો અર્થ શું છે તે આજે પણ એક રહસ્ય છે.
તાજેતરમાં જર્મનીના હાર્જ પર્વતમાળામાં યુનિકોર્ન નામની ગુફામાં ૫૧ હજાર વર્ષ જૂનો હડ્ડી આકાર મળ્યો હતો. તેમાં જે રેખાઓ ચિતરવામાં આવી હતી તે કોઈ સંકેત કરતી હતી. આ જોઈને પણ નિષ્ણાતોનું માનવું હતું કે પાષાણ યુગના માનવીઓ પણ કલાત્મક અભિવ્યક્તિ ધરાવતા હતા. આ અગાઉ પણ નિએંડરથલ પર અનેક સંશોધનો થયા છે અને તેમાં તેને મૂર્ખ કે અણસમજુ હોવાની વાતને નકારવામાં આવી છે. સંશોધકોના મતે તેઓ જાનવરોની ખાલ પહેરતા હોવા જોઈએ, એટલું જ નહીં તેમણે શિકાર અને મહેનત માટે જટિલ પ્રકારના ઓજાર વિક્સાવ્યા હતા. નિએંડરથલનું મસ્તિષ્ક આધુનિક માનવી કરતા ભિન્ન ન હતું તેમ છતાં તેનો મતલબ વધારે સક્રિય હતું એવો પણ થતો નથી.