લાસ વેગાસઃ પૃથ્વી કેવી દેખાય છે તે નિહાળવા માટે આપણે ક્યાં તો અવકાશમાં, ચંદ્ર પર જવું જોઈએ અથવા તો સેટેલાઈટ પિક્ચર્સ જોવાં પડે. જોકે, હવે પૃથ્વી પર રહીને જ પૃથ્વી નિહાળી શકાય તેવો વિશ્વમાં સૌથી મોટા LED સ્ક્રીનનો તેજથી ઝળાંહળાં વિશાળ ગોળો ‘સ્ફિઅર’ (‘Sphere’) લાસ વેગાસમાં તૈયાર કરાયો છે, જેનું ઉદ્ઘાટન અમેરિકાના સ્વાતંત્ર્ય પર્વે ચોથી જુલાઈએ કરાયું.
MSG એન્ટરટેઈન્મેન્ટ કંપની દ્વારા 2.3 બિલિયન ડોલરના ખર્ચે નિર્માણ કરાયેલા અને પૃથ્વી પર સૌથી વિશાળ વર્તુળાકાર સ્ટ્રક્ચર ગણાવાતા આ મહાકાય ગોળામાં આશરે 20 હજાર લોકો બેસી શકે તેવી પણ વ્યવસ્થા છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે, ‘પૃથ્વી પરની નવીનતમ ટેકનોલોજિકલ સિદ્ધિ નિહાળવા ‘યુફો -UFO’ નું આગમન વધી જશે.’ એન્ટરટેઈન્મેન્ટ બિઝનેસમાં આવું પ્રથમ વખત બની રહ્યું છે.
‘સ્ફિઅર’ 366 ફીટની ઊંચાઈ, વ્યાસ 516 ફીટનો વ્યાસ એટલે કે પહોળાઈ અને 580,000 સ્ક્વેર ફીટની સંપૂર્ણ પ્રોગ્રામેબલ લાઈટિંગ ધરાવે છે. લાસ વેગાસને તેજોમય બનાવી રહેલો આ ગોળો વિવિધ સ્વરૂપ બદલવાની ક્ષમતા પણ ધરાવે છે, ક્યારેક ડર લાગે તેવો આંખનો ડોળો દેખાય છે તો ક્યારેક રાષ્ટ્રપ્રેમની ઝલક દર્શાવે છે. તેની સામે જોવા સાથે નજર હટે જ નહિ તેવી મોહિની છવાઈ જાય છે. લાસ વેગાસ અને આસપાસથી લોકો શહેરના નવાં લેન્ડમાર્કને નિહાળીને સાનંદાશ્ચર્ય અનુભવે છે. ઘણાં લોકોએ તો વિમાન પાઈલટ્સ માટે આ તેજોમય ગોળો નેવિગેશન દીવાદાંડી બની રહેશે તેવું સૂચન પણ કર્યું છે.
‘સ્ફિઅર’નો બહારનો હિસ્સો વિવિધ પ્રકારના એનિમેશન્સ અને અન્ય ચિત્રો સાથે દિવસ-રાત બદલાતો રહેશે. તેમાં સીઝનલ થીમ્સ પણ રહેશે. હેલોવીન સમયે વિશાળ પમ્પકિનનું તો ક્રિસમસ સમયે તે બરફાચ્છાદિત સ્વરૂપ દેખાડાશે. ‘તેનો એક્ઝોસ્ફિઅર કોઈ સ્ક્રીન અથવા જાહેરાતના બિલબોર્ડ કરતાં વિશેષ છે, તે તો જીવંત સ્થાપત્ય છે’, તેમ સ્ફિઅરની બ્રાન્ડ સ્ટ્રેટેજી અને ક્રિએટિવ ડેવલપમેન્ટના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગાય બાર્નેટનું કહેવું છે.
અવકાશમાંથી અવતરણ થયું હોય તેવા દેખાતા સ્ફિઅરમાં 20,000 બેઠકોની ક્ષમતા છે જેનું પ્રારંભિક બજેટ 1.2બિલિયન ડોલર હતું પરંતુ વધીને લગભગ બમણું એટલે કે 2.3 બિલિયન ડોલરે પહોંચ્યું છે. આ નવતર એરીનામાં પહેલો શો 29 સપ્ટેમ્બરે U2 કોન્સર્ટનો યોજાવાનો છે. ઓનસ્ટેજ કાર્યક્રમ તેમના શોમાં 16K LED સ્ક્રીનથી શોભા વધારી શકશે અને આ સ્ક્રીન અંદરની તરફ, ઓડિયન્સની આસપાસ જ રખાઈ છે. હેલિકોપ્ટનો પ્રવાસ હોય કે ધરતીકંપ આવ્યો હોય તેવી બાબતો સ્ક્રીન પર દર્શાવાતી હોય ત્યારે તેનો અનુભવ મેળવી શકાય તે રીતે દર્શકની સીટ પણ વાઈબ્રેટ થઈ શકશે. 4D મશીન્સની મદદથી સૂસવાટા મારતા પવનો, ઉષ્ણાતામાન અને વહેતી સુગંધના દરિયા જેવી ઈફેક્ટ્સ પણ સ્ફિઅર એરીનાના અનુભવનો હિસ્સો બની રહેશે.