સ્ટોકહોમઃ કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન પૂરું પાડવા માટે સ્વિડનના એક પરિવારે તેના ઘરની બહાર જ એક વ્યક્તિના ભોજન માટે રેસ્ટોરાં ઉભી કર્યું છે. અનોખી રેસ્ટોરાંમાં એકમાત્ર ટેબલ-ખુરશી છે અને તેની પાસે થાંભલા સાથે બાંધેલી દોરીની પર લટકાવવામાં આવેલી બાસ્કેટમાં ભોજન મૂકવામાં આવે છે.
સ્વિડનની રાજધાની સ્ટોકહોમથી આશરે ૩૫૦ કિલોમીટર દૂર આવેલા વોર્મલેન્ડમાં ઘાસના મેદાન વચ્ચે મૂકવામાં આવેલા એકમાત્ર ટેબલ-ખુરશીવાળી રેસ્ટોરાં રાસમુસ પેર્સન અને લિન્ડા કાર્લસન નામનું યુગલ ચલાવે છે. આ રેસ્ટોરાંની વિશેષતા એ છે કે, તેમાં ભોજન કરવા આવનારે કોઈની સાથે વાત કરવાની કે ઓર્ડર આપવાનો હોતો જ નથી. વધુમાં, ભોજન કરતાં તેને વેઈટરો કે અન્ય મહેમાનોની નજરનો સામનો પણ કરવાનો નથી.
આ યુગલે ૧૦મી મેથી એક વ્યક્તિને ભોજન સર્વ કરવાનો અનોખો પ્રયાસ ચાલુ કર્યો છે, જે પહેલી ઓગસ્ટ સુધી ચાલશે. તેઓએ જણાવે છે કે, અમારો આશય નાણાં કમાવાનો નથી. વધુમાં આગંતુક ભોજન કરતો હોય ત્યારે કોઈ તેને જોઈ રહે તેવું પણ અમે ઈચ્છતા નથી. આપણે બધા સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકો એવા છે કે, જેઓએ તેમની નોકરીઓ ગુમાવી છે, કેટલાક તેમના પ્રિયજનોથી દૂર થઈ ગયા છે, તો કેટલાકનું બધુ બરબાદ થઈ ચૂક્યું છે.
એક ટેબલ-ખુરશીનો વિચાર પેર્સન અને કાર્લસનને એક ઘટના પરથી આવ્યો હતો. સ્વિડનમાં કોરોનાના કારણે કડક નિયંત્રણો મૂકાયા નથી, પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સલાહ અપાઇ છે. થોડાક દિવસ પહેલા લિન્ડા કાર્લસનના માતા-પિતા તેમને મળવા આવ્યા હતા. કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ સરકારે આપેલી હોવાથી તેઓએ મહેમાનોને ઘરમાં પ્રવેશ આપ્યો નહોતો, પણ તેમના માટે ઘરની બહારના બગીચામાં ડાઈનિંગ ટેબલ ગોઠવ્યું હતુ, જેથી તેઓ સલામત રહીને ભોજનનો આનંદ માણી શકે. આ ઘટના બાદ તેઓને આ પ્રકારે એક ટેબલ-ખુરશીનાં રેસ્ટોરાંનો વિચાર આવ્યો હતો.