બર્નઃ સામાન્ય રીતે જળસંગ્રહ માટે નાનામોટા ડેમ બાંધવામાં આવે છે પણ યુરોપિયન દેશ સ્વિત્ઝર્લેન્ડમાં એક એવા ડેમનું નિર્માણ કરાયું છે, જે પાણીનો નહીં પણ સૌરઉર્જાનો ડેમ છે. આ અનોખો સૌર ડેમ 700 પરિવારોને વીજળી આપવા માટે સક્ષમ છે. ખાસ કરીને શિયાળાના કાતિલ ઠંડીના દિવસોમાં હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટી જાય છે ત્યારે આ સોલાર ડેમ અવિરત ઉર્જા આપતો રહેશે. લેક મટજે ડેમ દરિયાની સપાટીથી 8000 ફૂટની ઉંચાઇએ પર બન્યો છે અને ચારે તરફ બરફના પહાડોથી ઘેરાયેલો છે. સોલાર ડેમ ઉર્જા મેળવવાનો આ પ્રોજેકટ આલ્પાઇન સોલાર તરીકે જાણીતો છે. આસપાસ બરફાચ્છાદિત વાતાવરણ છતાં સોલાર પેનલોને સૂર્યપ્રકાશ મળે તે રીતે ગોઠવાયેલી છે. સોલાર પેનલોની વોલ વાદળોની ઉપર ગોઠવવામાં આવી છે આથી વધુને વધુ લાંબો સમય તડકો મળે છે. આ ઉપરાંત સૂર્યના કિરણો બરફ પરથી પરાવર્તિત થઇને પણ સોલાર પેનલો પર પડે છે. આ સોલાર પેનલ પર ત્રણ ગણી વધુ માત્રામાં વીજળી પેદા થાય છે. 5000 પેનલ ધરાવતા આ વિશાળ સોલાર ડેમનું નિર્માણ કાર્ય ગયા વર્ષના અંતમાં જ પૂરું થયું છે, અને 2030 સુધીમાં અહીંથી દર વર્ષે 1.2 ગીગાવોટ સૌર વીજળી પેદા કરવાનો લક્ષ્યાંક છે. ઊર્જા કટોકટીનો સામનો કરી રહેલા યુરોપ માટે આ પ્રકારના સોલાર ડેમ ઊર્જાનો મહત્ત્વનો સ્રોત સાબિત થઈ શકે છે.