નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડે ભારત સરકારને પહેલીવાર સ્વિસ બેંકોમાં ભારતીયોનાં ખાતાં અને જમા રકમની વિગતો આપી છે. બન્ને દેશ વચ્ચે ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન ફ્રેમવર્ક હેઠળ ભારતને આ માહિતી અપાઈ છે. વિદેશમાં જમા શંકાસ્પદ કાળાં નાણાં વિરુદ્ધની લડાઈમાં આ મહત્ત્વનું પગલું છે. જોકે, એ જરૂરી નથી કે સ્વિસ બેંકોના તમામ ખાતામાં કાળું નાણું જ હોય. હવે સ્વિસ સરકાર તરફથી આ પ્રકારની માહિતી સપ્ટેમ્બર ૨૦૨૦માં મળશે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારની વિનંતીથી સ્વિત્ઝર્લેન્ડે આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી અને તેમના પત્ની મિનળને પણ પહેલી ઓક્ટોબરે પબ્લિક નોટિસ મોકલી હતી. ગેરકાયદે રીતે નાણાંની હેરફેરની માહિતી મેળવવા થયેલા દ્વિપક્ષીય સમજૂતી કરાર હેઠળ સ્વિત્ઝર્લેન્ડના ફેડરર ટેક્સ વિભાગ લલિત મોદી અને મિનળ મોદીનું નામ આપ્યું હતું. ૨૦૧૦થી લંડનમાં રહેતા લલિત મોદી સામે પહેલેથી જ મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. જોકે તેઓ તેનો ઇનકાર કરતા રહ્યા છે. ૧ ઓક્ટોબરે ઇશ્યુ કરાયેલી નોટિસની વધુ વિગત અપાઈ નથી. લલિત અને મિનળ મોદીને જવાબ આપવા માટે ૧૦ દિવસનો સમય અપાયો હતો.
સ્વિત્ઝર્લેન્ડ ફેડરલ ટેક્સ ઓથોરિટીએ હાલમાં જોકે ભારત સહિત ૭૫ દેશ સાથે બેંક ખાતાની વિગતો વહેંચી છે.