નવી દિલ્હી: વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બેન્કોમાં એક ક્રેડિટ સ્યુઇસમાં બનેલા અસાધારણ ઘટનામાં ૧૮,૦૦૦ એકાઉન્ટનો ડેટા લીક થયો છે. તેનાથી સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. આ લીક થયેલા ડેટા પરથી ખબર પડે છે કે બેન્કે રાજ્યોના પ્રમુખો, જાસૂસી અધિકારીઓ, ગુનેગારો, રાજકીય વડાઓ, પ્રતિબંધિત લોકો, વેપારીઓ અને માનવ અધિકારોનું હનન કરનારા ઉપરાંત કેટલાય લોકોના લાખો ડોલર તેમની પાસે રાખ્યા હતા. આ જે ખાતા લીક થયા છે, તેમા કુલ જમા રકમ ૧૦૦ બિલિયન ડોલરથી પણ વધારે હોવાનું મનાય છે. આ ખાતાઓની માહિતી તફડાવનારે એક જર્મન અખબાર સમક્ષ આંકડા લીક કર્યા. આ અખબારે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ સહિત ૪૬ અન્ય મીડિયા સંસ્થાઓ સાથે આ આંકડા વહેંચ્યા છે.
આ ડેટામાં ૧૯૪૦થી ખુલેલા ખાતાથી લઈને ૨૦૧૦ સુધી ખુલેલા ખાતાની વિગત છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ક્રેડિટ સ્યુઇસના ખાતામાં લાખો ડોલર છે તેમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા અને મિસરના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુસ્ની મુબારકના બે પુત્રનો સમાવેશ થાય છે.
આ પ્રકારના અન્ય ખાતાધારકોમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થાના વડાનો પુત્ર પણ સામેલ છે. તેણે ૧૯૮૦ના દાયકામાં યુએસએ અને અન્ય દેશોમાંથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને અબજો ડોલરની મદદ કરી હતી. આ ડેટા લીકથી માલૂમ થાય છે કે ક્રેડિટ સ્યુઇસે ફક્ત ધનવાનો માટે ખાતા જ ખોલ્યા છે તેવું નથી, પરંતુ તેમને સેવાઓ પણ પૂરી પાડી છે. તેમા કેટલાય એવા લોકોને સેવા આપી છે જે શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા.