દુબઇઃ પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહેલા પ્લાસ્ટિકમાંથી ઇંધણ અને રસ્તા બનાવવા જેવા પ્રયોગ તો ઘણા થયા છે, પણ દુનિયામાં પહેલી વાર સ્વિસ વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિકમાંથી સોનું બનાવવામાં સફળતા મેળવી છે. પ્લાસ્ટિકના મેટ્રિક્સનો મિશ્ર ધાતુ તરીકે ઉપયોગ કરીને બનાવેલું ૧૮ કરેટનું આ સોનું વજનમાં ઘણું હલકું છે અને તેની ચમક પણ અસલ સોના જેવી જ છે. વળી, તેને સરળતાથી પોલીશ પણ કરી શકાય છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સોનું વજનમાં હલકું હોવાના કારણે તે ઘડિયાળો અને જ્વેલરીની બનાવટમાં ખૂબ લોકપ્રિય થશે. આ રિસર્ચના તારણો સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરાયા છે.
સ્વિસ યુનિવર્સિટી ઇટીએસ જ્યુરિચના વિજ્ઞાની રાફેલ મેજેન્ગાએ જણાવ્યું હતું કે સોનાનું જે નવું રૂપ વિકાસાવાયું છે તેનું વજન પરંપરાગત ૧૮ કેરેટ સોનાના દસમા ભાગનું છે. અને આમ છતાં તે ૧૮ કેરેટનું સોનું છે. આ સોનું બનાવવા માટે પ્રોટિન ફાઇબર અને એક પોલિમર લેટેક્સનો ઉપયોગ કરાયો છે. પહેલા તેમાં સોનાના નેનોક્રિસ્ટલની પાતળી ડિસ્ક રખાઇ. પછી પાણી અને આલ્કોહોલ દ્વારા મિશ્રણ તૈયાર કરાયું હતું. આ મિશ્રણને કાર્બન ડાયોકસાઇડ ગેસના હાઇ પ્રેશરથી પ્રવાહિત કરીને તેને નક્કર આકારમાં ફેરવવામાં આવ્યું. સંશોધકોએ આ સમગ્ર પ્રક્રિયા અને સામગ્રી માટે પેન્ટટ અરજી કરી છે.
માથાદીઠ ૧.૨ ટન પ્લાસ્ટિકનો બોજ
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના તાજેતરના રિસર્ચ મુજબ ધરતી પર અંદાજે ૯.૧ બિલિયન ટન પ્લાસ્ટિક છે. હાલ દુનિયાની વસતી ૭.૬ બિલિયન છે. એટલે કે દરેક વ્યક્તિના ભાગે લગભગ ૧.૨ ટન પ્લાસ્ટિક છે. માઇક્રોપ્લાસ્ટિકના હાનિકારક કેમિકલ શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. દરેક વ્યક્તિના ભાગે લગભગ ૧.૨ ટન પ્લાસ્ટિક આવે છે. માઇક્રોપ્લાસ્ટિકના હાનિકારક કેમિકલ શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. દરેક વ્યક્તિ દરરોજ અજાણતાં જ માઇક્રોપ્લાસ્ટિકના ૨૦૦ ટુકડા ખાઇ જાય છે. જેના કારણે આંતરડામાં ઇન્ફેક્શન ફેલાય છે અને આમ આદમી કોઇને કોઇ બીમારીનો શિકાર બને છે. તેમાં સૌથી વધુ પેટની બીમારીઓ સામેલ છે.