ઝુરિચ: સ્વિત્ઝર્લેન્ડ સરકારે રવિવારે જણાવ્યું હતું કે યુક્રેનમાં શાંતિ માટે યોજાયેલી શિખર સમિટમાં ભાગ લઇ ચૂકેલા દેશો પૈકી સાઉદી અરબ, ભારત, સાઉથ આફ્રિકા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મેક્સિકો અને યુનાઇટેડ આરબ અમીરાતે શિખરના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર નહોતા કર્યા.
સ્વિત્ઝર્લેન્ડ દ્વારા આયોજિત શિખર બેઠકમાં 90 જેટલા દેશોએ ભાગ લીધો હતો. સ્વિસ સત્તાવાળા દ્વારા જારી થયેલી યાદી મુજબ શિખરમાં ભાગ લઈ ચૂકેલા મોટાભાગના દેશોએ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. શિખરમાં બ્રાઝિલે નિરીક્ષક તરીકે હાજરી આપી હતી પરંતુ તે પણ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાથી દૂર રહ્યું હતું.
શિખરમાં યુક્રેન સંઘર્ષના અંત માટેના પાયાના સિદ્ધાંતો પર ચર્ચા થઈ હતી. સ્વિત્ઝર્લેન્ડને આશા હતી કે રશિયાએ તેના પાડોશી દેશ યુક્રેન પર હુમલો કર્યાના 28 મહિના પછી આ શિખર બેઠક શાંતિ પ્રક્રિયાની રૂપરેખાને જન્મ આપશે. યુક્રેન સંઘર્ષના અંત માટે અત્યાર સુધીમાં થયેલી આ સૌથી મોટી પહેલ હતી. શિખરમાં રશિયાને નિમંત્રણ નહોતું અને ચીન શિખરમાં ગેરહાજર રહ્યું હતું. વડાપ્રધાન મોદીએ G7 સમિટની સમાંતરે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.