સીઓલઃ સ્વીડનમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની પરમાણુ ચર્ચા પડી ભાંગ્યાના બીજા દિવસે રવિવારે ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકા શત્રૂતાપૂર્ણ નીતિ બંધ ન કરે ત્યાં સુધી તેની સાથે પરમાણુ ચર્ચા ફરીથી શરૂ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફેબ્રુઆરીમાં બેઠક યોજાયા પછી મહિનાઓ સુધી અટવાઈ ગઈ હતી. જોકે, પાંચમી ઓક્ટોબરે બંને દેશો વચ્ચે બેઠક યોજાઈ હતી.
ઉત્તર કોરિયાએ બીજી ઓક્ટોબરે ગયા અમેરિકા સાથે વાટાઘાટો ફરીથી શરૂ કરવા માટે તૈયારી દર્શાવી હતી અને તેના થોડાક જ ક્લાકમાં તેણે બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જોકે, આ પરીક્ષણ છતાં સ્વીડનના સ્ટોકહોમમાં ઉત્તર કોરિયાના દૂતાલયથી થોડાક દૂર પાંચમીએ ઉત્તર કોરિયા અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. સ્વીડનમાં બેઠકમાંથી બહાર આવતાં ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકાએ નવા અને સર્જનાત્મક ઉકેલો રજૂ કર્યા ન હોવાથી તે હતાશ છે અને તેને અમેરિકા સાથે વાટાઘાટો કરવામાં કોઈ રસ નથી. બીજી બાજુ અમેરિકાએ ફરીથી ઉત્તર કોરિયા સાથે વાટાઘાટો માટે આતુરતા દર્શાવી હતી.