વોશિંગ્ટન: હમાસ સાથે એકબીજા શાંતિમંત્રણા ચાલી રહી છે ત્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ યુએસ કોંગ્રેસને વિસ્ફોટક સંબોધન કરતાં હમાસ અને ઇઝરાયેલના મંત્રણકારો તથા ઈજિપ્ત, કતાર અને અમેરિકાના વાટાઘાટોકારો વચ્ચે ચાલતી મંત્રણાને મુશ્કેલીમાં મુકી દીધી છે. અમેરિકાની સત્તાવાર મુલાકાતે પહોંચેલા નેતન્યાહુએ લગભગ એક કલાક ભાષણ આપ્યું. આ દરમિયાન મુખ્યત્વે તેમણે ઇરાનને ટાર્ગેટ બનાવ્યું. તેમણે ઇરાનને અમેરિકા અને ઇઝરાયેલનું સૌથી મોટું દુશ્મન જણાવ્યું હતું. તેમણે અમેરિકન સાંસદોને જણાવ્યું હતું કે આપણે વિજયની એકદમ નજીક છીએ. હમાસનો પરાજય એટલે ઇરાનનો પરાજય. તેની સાથે તેમણે હવે હમાસ પછી હિઝબુલ્લાહને લક્ષ્યાંક બનાવવાની ધમકી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકા માટે જેમ 11 સપ્ટેમ્બર છે તેમ ઇઝરાયેલ માટે 7 ઓક્ટોબર છે. હમાસના હુમલાખોરોએ મહિલાઓ પર બળાત્કાર કર્યો, પુરુષોના માથા કાપ્યા અને બાળકોને સળગાવ્યા. ગાઝામાંથી અનેક બંધકોને બચાવવા બદલ ઇઝરાયેલના લશ્કરની પ્રશંસા કરી. તેમણે આ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે ઇઝરાયેલ સંપૂર્ણ વિજય માટે પ્રતિબદ્ધ છે.