નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં ખાવાપીવાનાં શોખીન લોકોની કોઈ કમી નથી. આમાં પણ મોટા ભાગના લોકો હંમેશા એવી રેસ્ટોરાંની શોધમાં હોય છે જ્યાં ભોજનની સાથે માહોલ પણ ખાસ હોય અને આંખોની સામે સુંદર નજારો જોવા મળે. આવા જ સ્વાદશોખીન લોકો માટે થોડાક સમયમાં જ નવો વિકલ્પ ઉમેરાશે.
ફ્રાન્સની સ્ટાર્ટ અપ કંપની ઝેફાલ્ટોએ કરેલી ચોંકાવનારી જાહેરાત અનુસાર તે અંતરિક્ષમાં એક રેસ્ટોરાં ખોલવાની છે. વર્ષ 2025થી લોકો અહીં જઇને આ ખાસ રેસ્ટોરાંમાં ભોજનની મજા માણી શકશે. બલૂન કંપની ઝેફાલ્ટોની યોજના અનુસાર લોકોને 25 કિલોમીટરની ઉંચાઇએ આકાશમાં લઇ જશે અને હીલિયમ અથવા તો હાઇડ્રોજનથી ભરેલા બલૂનમાં બેસાડીને ભોજન કરાવશે. કંપની વ્યક્તિ દીઠ 1.32 લાખ ડોલર ચાર્જ કરવાની યોજના ધરાવે છે. ઝેફાલ્ટોના બલૂનમાં છ મુસાફરો અને બે પાઇલટ્સ હશે, અને તે ફ્રેન્ચ સ્પેસપોર્ટથી ઉડાન ભરશે. કંપની વિશ્વભરમાં તેની પહોંચ વિસ્તૃત કરવાની આશા રાખે છે.
કંપની મેનેજમેન્ટ કહે છે તેમ ખાસ પ્રકારનાં કેપ્સ્યુલ અથવા તો સ્પેસ બૂલન થકી અંતરીક્ષમાં રેસ્ટોરામાં ભોજન માણવાની તક મળશે. ફ્રાન્સની કંપની પ્રવાસીઓને છ કલાકની ખાસ પ્રકારની રોમાંચિત અને યાદગાર ટ્રિપની ઓફર કરશે. વર્ષ 2025માં અંતરીક્ષ રેસ્ટોરાંની શરૂઆત કર્યા બાદ દર વર્ષે 60 ફ્લાઇટ ઓપરેટ કરવાની યોજના ધરાવે છે.