નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જાહેરાત મુજબ યુએસ પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ કેકેઆરઅએે રિલાયન્સ જિયોનો ૨.૩૨ ટકા હિસ્સો ૧૧,૩૬૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચાર સપ્તાહમાં પાંચમી વખત રિલાયન્સ જિયોનો હિસ્સો વેચવામાં આવ્યો છે.
આ સાથે જ છેલ્લા ચાર સપ્તાહમાં વેચવામાં આવેલા હિસ્સાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કુલ ૭૮,૫૬૨ કરોડ રૂપિયા મળ્યા છે. કેકેઆરનું એશિયામાં આ સૌથી મોટું રોકાણ છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કેકેઆર સાથે થયેલી સમજૂતી વખતે રિલાયન્સ જીયોનું ઇક્વિટી મૂલ્ય ૪.૯૧ લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ ૫.૧૬ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. કેકેઆરનું એશિયામાં આ સૌથી મોટું રોકાણ છે. આ રોકાણ સાથે જ કેકેઆર ગ્રૂપ રિલાયન્સ જિયોના ૨.૩૨ ટકા હિસ્સાનું માલિક બનશે.
ઉલ્લેખનીય છે કે ૨૨ એપ્રિલે ફેસબુકે ૪૩,૫૭૪ કરોડ રૂપિયામાં રિલાયન્સ જીયોનો ૯.૯૯ ટકા હિસ્સો ખરીદ્યો હતો. ત્યારબાદ પાંચમી મેના વિશ્વના સૌથી મોટા ટેક ઇન્વેસ્ટર સિલ્વર લેકે ૫૬૬૫.૭૫ કરોડ રૂપિયામાં જિયોનો ૧.૧૫ ટકા હિસ્સો ખરીદ્યો હતો.
ત્યારબાદ ૮ મેના રોજ અમેરિકા સ્થિત વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે ૧૧,૩૬૭ કરોડ રૂપિયામાં જિયોનો ૨.૩૨ ટકા હિસ્સો ખરીદ્યો હતો. ૧૭ મેના રોજ ગ્લોબલ ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિકે ૬૫૯૮ કરોડ રૂપિયામાં જિયોનો ૧.૩૪ ટકા હિસ્સો ખરીદ્યો હતો.
રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા એક મહિનામાં અગ્રણી ટેકનોલોજી રોકાણકારો જેવા કે ફસબુક, સિલવર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક અને કેકેઆરએ જીયોમાં કુલ ૭૮,૫૬૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે જિયો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની છે. જિયોના હાલમાં ૩૮.૮ કરોડ ગ્રાહકો છે.
કેકેઆરના રોકાણને આવકારતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે કેકેઆરનું સ્વાગત કરતા આનંદ થાય છે. કેકેઆર વિશ્વના સૌથી નામાંકિત નાણાકીય રોકાણકારો પૈકી એક છે. ૧૯૭૬માં કેકેઆરની સ્થાપના કરવામાં આવી હતી.