હવે બ્રિટનની જીભે ભૂત જોલકિયાનો તમતમાટ

Wednesday 04th August 2021 04:16 EDT
 
 

નવી દિલ્હી: નાગાલેન્ડમાં ઊગતા દુનિયાના બીજા ક્રમના સૌથી તીખાં મરચાં ભૂત જોલકિયા હવે અંગ્રેજોના મોંમાં તમતમાટ ફેલાવશે. નાગાલેન્ડથી પહેલી વાર આ મરચાંનો એક જથ્થો હવાઈ માર્ગે ગુવાહાટીથી લંડન નિકાસ કરાયો છે. નાગાલેન્ડથી રાજા મરચાંનો જે જથ્થો લંડન મોકલાયો છે તે રાજ્યના પેરેન જિલ્લાના તેનિંગથી મગાવાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરતાં લખ્યું હતુંઃ શાનદાર સમાચાર! જે લોકોએ ભૂત જોલકિયા ખાધા છે, ફક્ત તે જ જાણી શકે છે કે તે કેટલાં તીખા હોય છે.
ભૂત જોલકિયા દુનિયાના બીજા નંબરના સૌથી તીખા મરચાં છે. તે મેક્સિકોના રેડ સેવિના મરચાંથી પણ બમણા તીખા અને કેયાનિન મરચાં કે જે ‘હાબેનેરોના મરચાં’ તરીકે ઓળખાય છે તેનાથી ત્રણ ગણા તીખા હોય છે. ભૂત જોલકિયાને ઘોસ્ટ પેપર નામે પણ ઓળખવામાં આવે છે. ૨૦૦૭માં આ મરચાંને તેની તીખાશ માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.
આ મરચાં તે સમયે ટોબેસકો સોસથી પણ ૪૦૦ ગણા વધુ તીખા હતા. આ મરચાં વિકસાવનાર ડોક્ટર પોલ બોસ્લેન્ડના મતે આ મરચાંની એક યોગ્ય માત્રા ખૂબ જ ઓછા સમયમાં કોઇનો જીવ પણ લઈ શકે છે.
આ મરચાંનું બાયોલોજિકલ નામ કેપ્સિકમ ચીનેન્સ છે. ભૂત જોલકિયા મરચાંની ક્રોપ સાઈકલ ૬ મહિનાની હોય છે. તેના છોડની ઊંચાઈ સામાન્ય રીતે ૪૦થી ૧૨૦ સેમી જેટલી હોય છે. આ છોડમાં આવતા મરચાની પહોળાઈ એકથી દોઢ ઈંચ જેટલી હોય છે જ્યારે લંબાઈ ૩ ઈંચથી પણ વધુ હોઈ શકે છે. વાવણી બાદ ફક્ત ૭૫થી ૯૦ દિવસમાં છોડ પર મરચા આવવા લાગે છે. ભારતમાં ભૂત જોલકિયા મરચાની ખેતી આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં થાય છે.
પેપર સ્પ્રે અને ગ્રેનેડ બનાવવામાં મરચાંનો ઉપયોગ
ઘોસ્ટ પેપર મરચાંનો ઉપયોગ માત્ર ખાણીપીણી માટે જ થાય છે તેવું નથી. ભારતીય સુરક્ષા દળો તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. આતંકીઓ પર કે પછી ભીડને વેરવિખેરવા માટે તેનો ઉપયોગ કરે છે. ઘોસ્ટ પેપરનો પાઉડર ટિયર સ્મોક ગ્રેનેડમાં વપરાય છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ આ મરચાંનો ઉપયોગ કરી ભારતીય સુરક્ષા દળો માટે પેપર સ્પ્રે વિકસાવ્યો છે. ભૂત જોલકિયાથી બનેલા મરચાંના ગ્રેનેડનો સફળતાપૂર્વક ઉપયોગ ભારતીય સૈન્ય દ્વારા ઓગસ્ટ ૨૦૧૫ના રોજ આતંકી સજ્જાદ અહેમદને પકડવા માટે કરાયો હતો જે એક ગુફામાં છુપાયેલો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter