લેહઃ એલએસી પર ભારત-ચીનની સેનાઓ વચ્ચે પ્રવર્તતા તણાવ મધ્યે ત્રીજી જુલાઇએ લદ્દાખની ચોંકાવનારી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશો આપતાં જણાવ્યું હતું કે, વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઇ ગયો છે. ભારતના દુશ્મનોએ ભારતીય સેનાનો જુસ્સો અને આક્રોશ જોયાં છે.
ગલવાન વેલીમાં ચીની સેના સાથેની અથડામણમાં શહીદ થયેલા ૨૦ ભારતીય જવાનોને સલામી સાથે શ્રદ્ધાંજલિ અર્પ્યા બાદ વડા પ્રધાને જવાનોને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને પરાક્રમ દેશભરમાં ગુંજી રહ્યાં છે. ભારતીય સેનાએ બતાવેલી અસામાન્ય બહાદુરીના કારણે દુનિયાએ ભારતની ક્ષમતાની નોંધ લીધી છે.
વડા પ્રધાને ચીનનો સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે ઇતિહાસ દર્શાવે છે કે વિસ્તારવાદીઓ ક્યાં તો પરાજિત થયા છે અથવા તો નાશ પામ્યા છે. વિસ્તારવાદના યુગનો અંત આવી ગયો છે. આ વિકાસનો યુગ છે. વિસ્તારવાદની માનસિકતાએ મોટું નુકસાન પહોંચાડયું છે. ભારતે હંમેશાં શાંતિનો માર્ગ પસંદ કર્યો છે પરંતુ નબળા લોકો શાંતિ માટેનાં પગલાં લઇ શક્તાં નથી. શાંતિ માટેની ભારતની પ્રતિબદ્ધતાને તેની નબળાઇ ગણવી જોઇએ નહીં. આપણે એ લોકો છીએ જે મુરલીધારી ભગવાન કૃષ્ણની પૂજા કરીએ છીએ પરંતુ એ લોકો પણ છીએ જે સુદર્શન ચક્રધારી કૃષ્ણને પણ ભજીએ છીએ.
વડા પ્રધાન મોદીએ સેનાના જવાનોને જણાવ્યું હતું કે, આજે તમે જ્યાં ફરજ બજાવી રહ્યા છો તેની ઊંચાઇઓ કરતાં પણ તમારી હિંમત અને સાહસ ઊંચાં છે. લેહ, લદ્દાખથી માંડીને સિયાચીન અને કારગિલ અને ગાલવાનનાં ઠંડાગાર પાણી, દરેક પર્વત અને દરેક શીખર ભારતીય જવાનોની વીરતાના સાક્ષી છે. જેમણે ભારત પર આક્રમણ કરવાનો પ્રયાસ કર્યો છે તેમને તમે જડબાતોડ જવાબ આપ્યો છે. દેશ માને છે કે દેશની સુરક્ષા તમારા હાથોમાં સલામત છે. ફક્ત હું જ નહીં પરંતુ આખો દેશ આમ માને છે. અમને તમારા પર ગૌરવ છે.
વડા પ્રધાન મોદી સવારે ૯:૩૦ કલાકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેનાધ્યક્ષ જનરલ નરવણે સાથે અચાનક લેહની મુલાકાતે પહોંચ્યા હતા. લેહથી મોદી ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલી ઝંસ્કાર રેન્જની નિમુ ફોરવર્ડ પોસ્ટની મુલાકાતે પહોંચ્યા. અહીં મોદીએ આર્મી, એરફોર્સ અને આઇટીબીપીના જવાનો સાથે વાતચીત કરીને તેમની સેવાઓને બિરદાવી હતી.
પોસ્ટ પર હાજર ઉચ્ચ અધિકારીઓએ મોદીને લદ્દાખની સ્થિતિ અંગે માહિતી આપી હતી. બાદમાં મોદીએ કેમોફ્લેજ ટેન્ટમાં બેસીને જવાનો સાથે ચર્ચા કરી હતી. વડા પ્રધાને નિમુ પોસ્ટથી લેહની હોસ્પિટલે પહોંચ્યા હતા અને ગલવાન વેલી સંઘર્ષમા ઘાયલ જવાનોના ખબરઅંતર પ હતા.