નવી દિલ્હીઃ લદાખ અને અરુણાચલ પ્રદેશમાં એલએસી પર સેના ખડકી રહેલા ચીને હવે હિમાચલ પ્રદેશમાં એલએસી ખાતે સેનાનો જંગી જમાવડો કરી ભારતને ઘેરવાનું શરૂ કરી દીધું છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને સોંપેલા રિપોર્ટમાં હિમાચલ પોલીસે જણાવ્યું છે કે, રાજ્યના બે સરહદી જિલ્લાઓમાં એલએસી પર નવ સ્થળે ચીની સેના જંગી સેનાનો જમાવડો કરવાની સાથે સાથે ઝડપથી માળખાકીય સુવિધાનું નિર્માણ કરી રહી છે.
સડકો, બેરેક, હેલિપેડનું મોટાપાયે નિર્માણ
હિમાચલના ડીજીપી સંજય કુંદુએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ચીની સેનાએ એલએસી પર દળોની સંખ્યા વધારી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સર્વેલન્સ પ્રવૃત્તિઓમાં વધારો કર્યો છે. હિમાચલના કિન્નૌર અને લાહૌલ સ્પિતિ જિલ્લામાં ૨૪૦ કિમી લાંબી એલએસી આવેલી છે. ચીની સેના ચુરુપથી પારીચુ નદીના ઉત્તર કિનારા સુધી નવી સડકનું નિર્માણ કરી રહી છે. સરહદી ગામો શાકટોટ, ચુરુપ અને ડુનમુરમાં ચીની સેના ઝડપથી નિર્માણ કરી રહી છે.
ચુરુપ ગામમાં ચીની સેનાએ નવી ઇમારતો બાધવાની સાથે હાઇ ક્વોલિટીના સર્વેલન્સ, ઇક્વિપમેન્ટ તહેનાત કર્યાં છે. લાપચા પાસ ખાતે ચીની સેનાએ હેવી મશીનરી સાથે ગતિવિધિઓ વધારી દીધી છે. અહીં ચીની સેના લશ્કરી બેરેકો બનાવી રહી છે. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે જણાવ્યું હતું કે, ભારતનો સૌથી મોટો દુશ્મન પાકિસ્તાન નહીં પરંતુ ચીન છે.
સીડીએસ જનરલ બિપિન રાવતે જણાવ્યું હતું કે, ચીન ભારતીય પ્રદેશમાં ગામોનું નિર્માણ કરી રહ્યો હોવાના અહેવાલો ખોટા છે. એલએસી પર ચીની સેના દ્વારા કોઈ અતિક્રમણ કરાયું નથી. ચીને એલએસી પર તેના પ્રદેશમાં ગામો બનાવ્યાં છે. ચીન એલએસી પર તેના નાગરિકોને વસાવવા અથવા સેના તહેનાત કરવા ગામો વસાવી રહ્યું છે.
ચીન સૌથી મોટો ખતરોઃ જનરલ બિપિન રાવત
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે ચીનને દેશની સુરક્ષા સમક્ષનો સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર જનરલ રાવતે જણાવ્યું હતું કે ભારતની સુરક્ષા માટે ચીન સૌથી મોટો ખતરો છે. હજારોની સંખ્યામાં ભારતીય સૈનિકો અને હથિયારો હિમાલયની સીમા પર ગત વર્ષે મોકલવામાં આવ્યાં હતાં. ચીન સાથેના સરહદી તણાવના કારણે લાંબા સમયથી આ સૈનિકો પાછા ફરી શક્યા નથી.
જનરલ રાવતે કહ્યું હતું કે પરમાણુ હથિયારોથી સજ્જ બન્ને દેશો વચ્ચેના સરહદી પ્રશ્નો ઉકેલવા આડે વિશ્વાસનો અભાવ સૌથી મોટું કારણ છે. પરસ્પર શંકાને કારણે વિવાદ ઉકેલી શકાયા નથી. બન્ને દેશ એ બાબતે સંમત થઈ શક્યા નથી કે સરહદેથી કેવી રીતે પાછા ફરવું.