લોકોની નજરનું કેન્દ્ર બનવા માટે અજબ-ગજબના સાહસો કરનારાની આ દુનિયામાં કોઈ કમી નથી. અવિશ્વસનીય અને અણધાર્યા સાહસો કરીને બધાને ચોંકાવી દેવા માટે જાણીતા તુર્કીના હસન કવલે આ વખતે આખેઆખા પલંગની સાથે પેરા-ગ્લાઈડીંગ કર્યું હતું. એટલું જ નહીં, આકાશમાં ઊંચે પહોંચ્યા બાદ આ ભાઇ મસ્તીથી આંખો પર પટ્ટી બાંધીને ઊંઘી પણ ગયા હતા! યુટ્યુબ પર ભારે લોકપ્રિય બનેલા વીડિયોમાં હસન કવલના પલંગને ઊંચકીને તેની આંખી ટીમ દોડતી જોવા મળે છે, જેથી પેરા (બેડ) ગ્લાઈડર હવાની લહેરખી પર સવાર થઇને ઊડાન ભરી શકે. હસને પેરા-બેડની સાથે નાઈટ સ્ટેન્ડ અને લેમ્પશેડને પણ જોડી દીધા હતા. સાહસવીર હસને અન્તાલ્યાના મેડિટેરેનિયન પ્રોવિન્સમાં આવેલા ખૂબ જ લોકપ્રિય પ્રવાસન સ્થળ એલાન્યા ખાતે દરિયાઈ સપાટીથી ૨૬૨૫ ફૂટ ઊંચાઈએ આવેલા યાસ્સી ટેપ પરથી ઊડાન ભરી હતી. આ પછી તેણે પોતાની પાસે રાખેલી ઘડિયાળમાં એલાર્મ સેટ કર્યું હતું અને આંખો પર સ્લિપિંગ માસ્ક લગાવીને ઊંઘી ગયો હતો. થોડી વાર બાદ એલાર્મ વાગ્યું હતું અને તે ઊંઘમાંથી જાગ્યો હતો, ત્યારે તેણે જોયું કે તે તુર્કીના ક્લિઓપેટ્રા બીચ નજીક હતો અને લેન્ડિંગની તૈયારીમાં હતો. ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ તેને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો અને આ પ્રકારે તેની સફર પૂર્ણ થઈ હતી.
શું તમારે પણ આ કૌતુકભર્યા કરતબનો વીડિયો નિહાળવો છે?! ગૂગલમાં સર્ચ કરો આ વેબલિન્કઃ https://bit.ly/3i7qM5G