હાઇપરલૂપ માત્ર ૧૨ મિનિટમાં અબુધાબી-દુબઈ વચ્ચેનું અંતર કાપશે

Thursday 01st March 2018 04:26 EST
 
 

બધું આયોજન પ્રમાણે પાર પડશે તો યુએઇના બે સૌથી સમૃદ્ધ શહેરો અબુધાબી અને દુબઇ વચ્ચેનું ૧૪૦ કિ.મી.નું અંતર ફક્ત ૧૨ મિનિટમાં કપાઇ જશે. હાઇપરલૂપથી આ શક્ય બનશે, જેની અહીં વર્ષ ૨૦૨૦માં શરૂઆત થવાની છે. હાલ અબુ ધાબીથી દુબઇ કાર લઇને જતાં ૯૦ મિનિટનો સમય લાગે છે. દુબઇની રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (આરટીએ)એ તાજેતરમાં દુબઇમાં હાઇપરલૂપની ડિઝાઇન પરથી પડદો ઊઠાવ્યો. હાઇપરલૂપ સિસ્ટમ દર કલાકે બન્ને તરફથી અંદાજે ૧૦ હજાર પ્રવાસીઓને તેમના નિયત સ્થાને પહોંચાડશે. દુબઇના આરટીએનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ૨૫ ટકા મુસાફરીઓ ડ્રાઇવરલેસ બનાવવાનું છે. હાઇપરલૂપના ડિઝાઇન મોડલમાં તેનું ઇન્ટિરિયર ખૂબ ભવ્ય દેખાઇ રહ્યું છે. સીટો આરામદાયક જણાય છે અને લાઇટિંગ પણ ધ્યાનાકર્ષક છે.

હાઇપરલૂપની જાણકારી

હાઇપરલૂપ એક ટ્યૂબ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી છે, જેમાં પિલર્સ પર એલિવેટેડ ટ્યૂબનું નેટવર્ક તૈયાર કરાય છે. તેની અંદર બુલેટ જેવા શેપની લાંબી સિંગલ બોગી હવામાં તરતી ચાલે છે. વેક્યૂમ ટ્યૂબમાં કેપસ્યૂલને ચુંબકીય શક્તિથી દોડાવાય છે. તેમાં વીજળી ઉપરાંત સૌરઉર્જા અને પવનઉર્જાનો પણ ઉપયોગ થઇ શકે છે. તેમાં વીજળીનો ખર્ચ ખૂબ ઓછો છે અને પ્રદૂષણ બિલકુલ નથી.

પ્રતિ કલાકઃ ૧૨૦૦ કિ.મી.

હાઇપરલૂપની સ્પીડ વર્તમાન સમયમાં પરિવહન માટે ઉપયોગમાં લેવાતા તમામ સાધનોથી વધુ છે. તે ૧૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ભારત સહિત આ દેશોમાં પણ કામ ચાલુ છે. હાલ યુએઇ ઉપરાંત ભારત, અમેરિકા, કેનેડા, ફિનલેન્ડ અને નેધરલેન્ડમાં પણ હાઇપરલૂપ અંગે કામ થઇ રહ્યું છે. ભારતમાં વિજયવાડા-અમરાવતી વચ્ચે તથા મુંબઇ-પૂણે વચ્ચે તેનું કામ પ્રારંભિક તબક્કામાં છે.

ઇલોન મસ્કની શોધ

હાઇપરલૂપ ટેસ્લાના સંસ્થાપક ઇલોન મસ્કના ભેજાની ઉપજ છે, જેમણે વર્ષ ૨૦૧૩માં એક વ્હાઇટપેપરના રૂપમાં હાઇપરલૂપની બેઝિક ડિઝાઇનનો દુનિયાને પરિચય કરાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter