લંડનઃ ૧૯ વર્ષ પહેલા બ્રાઝિલના સાઓ પાઉલોમાં જન્મેલો ગેબ અત્યંત રેર કહેવાય એવો હેન્હર્ટ સિન્ડ્રોમ ધરાવતો હતો. એને કારણે ગર્ભમાં તેના બન્ને હાથ કે પગ વિકસ્યા જ નહોતા. તેના જન્મદાતાએ તેને તરછોડી દીધો. જોકે અમેરિકાના ઉટાહમાં રહેતા જેનેલ અને સેન એડમ્સે ગેબને દત્તક લીધો. આ દંપતીએ બીજા પણ બાળકોને દત્તક લીધેલાં અને એમ તેના પરિવારમાં ૧૩ ભાઇ-બહેન હતાં. દંપતીએ ગેબને કદી એવું લાગવા દીધું જ નહી કે તે અસહાય છે. તે બધું જાતે કરી શકે એ માટે નાનપણથી જ તેની આગળ-પાછળ કોઇ ન ફરક્યું. આથી ગેબ પોતાના કામો જાતે કરતા શીખ્યો. પોતાની પથારી ઠીક કરવાથી માંડીને નહાવું, કપડા પહેરવાં, બહાર જવું, ભણવું, લખવું, વાંચવું, સ્માર્ટ ફોન કે અન્ય ગેજેટ્સ વાપરવાં, ખપ પૂરતું રાંધી લેવા જેવા તમામ કામ ગેબ જાતે કરતાં શીખી ગયો.
પહેલા તે સ્પેશ્યલ ચાઇલ્ડ માટેની સ્કુલમાં ભણતો હતો, પણ ટીનેજમાં પ્રવેશ્યા પછી તેણે પોતાના ભાઇ-બહેનોની જેમ સાદી સ્કુલમાં જઇને ભણવાનો આગ્રહ રાખ્યો. નવાઇ એ છે કે નોર્મલ સ્કુલ અને કોલેજમાં ભણીને તે ગ્રેજયુએટ પણ થયો. સ્કુલના સમયમાં તેણે ડાન્સ પર્ફોર્મન્સમાં પણ ભાગ લેવાની ઇચ્છા દર્શાવી. જેને હાથ-પગ જ નથી તે ડાન્સ કઇ રીતે કરી શકે એવું સૌ માનતા હતા, પણ ગેબે કેટલાક ડાન્સરોને બ્રેક-ડાન્સ કરતા જોયા એટલે તેણે હાથ-પગ વિનાના પોતાના શરીરને પણ એ રીતે મૂવ કરવાનું શરૂ કર્યું. નવાઇ તો એ છે કે તે જે રીતે પોતાની કમર, ખભા અને ગરદન હલાવે છે એ અદ્ભુત ડાન્સ-મુવ્સથી કમ નથી. તે જે રીતે ફુદરડી ફરે છે, ગોઠમડા ખાય છે અને એક ખભે બેલેન્સ કરીને બોડીને ઊંધુ કરે છે એ બધી મુવ્સ જબરદસ્ત હિટ છે. હવે ગેબના પર્ફોર્મન્સની પણ અનોખી ડિમાન્ડ નીકળી છે.