હાફિઝ સઈદ સહિત આઠ જણા આતંકવાદી જાહેર

Thursday 05th September 2019 07:03 EDT
 
 

નવી દિલ્હી: મોદી સરકારે ગેરકાયદેસરની ગતિવિધિ સંશોધન કાયદા (યુએપીએ) અંતર્ગત પાંચમી સપ્ટેમ્બરે મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, ઝાકી-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યાં છે. આ તમામ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદનાં વડા મસૂદ અઝહર પર ભારતમાં પાંચ આતંકી હુમલાનો આરોપ છે. વર્ષ ૨૦૧૯માં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો હતો.

કાયદાની જોગવાઇઓમાં સુધારો

અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા. જુલાઈમાં સંસદમાં આ બિલને પાસ કરવામાં આવ્યું હતું. નવી જોગવાઈઓ પ્રમાણે વ્યક્તિગત રીતે પણ કોઈને આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે. આ પહેલાં ફક્ત આતંકવાદી સંગઠનોને જ આતંકવાદી જાહેર કરવામાં આવતા હતા. હવે આમનું નામ આ યાદીમાં આવ્યા બાદ આતંકવાદી પણ વ્યક્તિગત રીતે યાદીમાં સામેલ થશે. આવનારા દિવસોમાં ઘણા અન્ય કુખ્યાત નામો આ યાદીમાં જોડાશે.

યાદીમાં પહેલા નંબરે મસૂદ અઝહરને રખાયો

યાદીમાં પહેલા નંબરે પુલવામા હુમલાનાં માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનાં હેડ અને મુંબઈ હુમલાનાં માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને બીજા નંબરે રાખવામાં આવ્યો છે. ત્રીજા નંબર પર માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ છે અહેવાલો પ્રમાણે તે પાકિસ્તાનનાં કરાચીમાં રહે છે. આતંકી ઝાકી-ઉર-રહમાન લખવીને પણ આ લિસ્ટમાં સામેલ કરાયો છે. ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા માટેના આ કાયદાને હાલમાં જ સંસદમાં પાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર તરફથી મસૂદ અઝહર અને હાફિઝ સઈદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવી ચૂક્યા છે.

આ કાયદામાં કોઇ વ્યક્તિ વિશેષને ક્યારે આતંકવાદી જાહેર કરવામાં આવશે તેની જોગવાઈઓ છે. તેથી આ કાયદા અંતર્ગત કોઈ વ્યક્તિ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપે અથવા ભાગ લે તો તેને આતંકી જાહેર કરાઈ શકે છે. આ કાયદામાં દેશમાં યુપીએ સરકાર હતી ત્યારે પહેલું અમેડમેન્ટ ૨૦૦૪નાં અંતમાં આવ્યું હતું. બીજું સંશોધન ૨૦૦૮માં અને ત્રીજું અમેડમેન્ટ ૨૦૧૩માં આવ્યું હતું. ગૃહ પ્રધાન અમિત શાહે કાયદા વિશે કહ્યું હતું કે કોઈ જો આતંકવાદને મદદ કરે છે, ધન પૂરું પાડે છે, આતંકવાદનાં સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે છે અથવા આતંકવાદની થિયરી યુવાઓનાં મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો તેને આતંકવાદી જાહેર કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter