નેવાડાઃ વિશ્વની ટોચની અને ઉચ્ચ શિક્ષણની અમેરિકાની સૌથી જૂની સંસ્થાઓ પૈકીની એક ગણાતી હાર્વર્ર્ડ યુનિવર્સિટીમાં હિંદુ પૌરાણિક ધર્મ ગ્રંથો 'મહાભારત' અને 'રામાયણ' ભણાવવામાં આવશે.
હાર્વર્ડ ડિવાઈનીટી સ્કૂલના આગામી ૩૦ ઓગસ્ટથી શરૂ થતા ગ્રેજ્યુએટ લેવલના સેમેસ્ટરમાં પ્રો. એન ઈ મોનિયસ 'ઈન્ડિયન રિલિજન્સ થ્રુ ધેર નેરેટિવ લિટરેચર્સઃધ એપીક્સ' માં સંસ્કૃતના આ મહાન ધાર્મિક ગ્રંથો શીખવશે. 'રામાયણ'માં સાત કાંડમાં કુલ ૨૫,૦૦૦ શ્ર્લોક છે. 'મહાભારત'માં ૧૮ પર્વમાં કુલ ૧૦૦,૦૦૦ પદ છે. હિંદુ નેતા રાજન ઝેડે હિંદુ વીરાસતને ઉજાગર કરવા બદલ હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી. હિંદુ ધર્મ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે અને તેના ૧.૧ બિલિયન અનુયાયી છે. હિંદુ ધર્મનો મુખ્ય ધ્યેય મોક્ષ પ્રાપ્ત કરવાનો છે.
અમેરિકામાં લગભગ ૩ મિલિયન હિંદુ વસે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં ૨૨,૦૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વિશ્ર્વની સૌથી મોટી શૈક્ષણિક લાયબ્રેરી હોવાનો દાવો કરતી હાર્વર્ડ લાયબ્રેરીમાં ૨૦.૪ મિલિયન ગ્રંથ છે.