નવી દિલ્હીઃ લદ્દાખમાં ભારતને આંખ બતાવી રહેલા ચીનને સીધો સંદેશ આપતાં ભારત અને જાપાનના નૌકાદળે હિંદ મહાસાગરમાં સંયુક્ત નૌકા કવાયત કરી હતી. આ કવાયતમાં ભારતીય નેવી અને જાપાનીઝ નેવીના ૪ યુદ્ધ જહાજ સામેલ થયાં હતાં.
જાપાને જણાવ્યું હતું કે, પરસ્પરની સમજણ વધારવા માટે આ સંયુક્ત કવાયત હાથ ધરાઇ હતી. ભારત અને જાપાનના નૌકાદળ વચ્ચે સંયુક્ત કવાયતો હવે સામાન્ય બની રહી છે પરંતુ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવના સમયે આ કવાયત મિત્રતા પુરવાર કરવા માટે અત્યંત મહત્ત્વની બની જાય છે.
ભારતના નેશનલ મેરિટાઇમ ફાઉન્ડેશનના ડિરેક્ટર જનરલ વાઇસ એડમિરલ પ્રદીપ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે વ્યૂહાત્મક કોમ્યુનિકેશન્સ માટે કવાયતો કરી રહ્યા છીએ. ભારત તેના મિત્રદેશો સાથે મિત્રતા ગાઢ કરવા માગે છે અને ચીન જાપાન, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોથી સારી રીતે પરિચિત છે.
ચીન પર નજર માટે હિંદ મહાસાગરમાં જાપ્તો
ગલવાન ઘાટીમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારતે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતીય નેવીએ ચીનની ગતિવિધિઓ કે સંદિગ્ધ હરકતો પર નજર રાખવા માટે હિંદ મહાસાગરમાં જાપ્તો વધાર્યો છે. ભારતીય નેવીએ ઝડપથી વિકસીત થઈ રહેલી ક્ષેત્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકી નેવી તથા જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ જેવી નેવી સાથે સહયોગ વધારી રહી છે.