લંડનઃ વડા પ્રધાન થેરેસા મે ચીન સાથે સંબંધો સુધારવા ૧૮ બિલિયન પાઉન્ડનો ખર્ચ અને ચીનનો સહયોગ ધરાવતા સમરસેટના હિન્કલી પોઈન્ટ સી અણુ પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. જોકે, મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં વિદેશી રોકાણ માટે નવા સેફગાર્ડ્સની પણ જાહેરાત કરી છે, જેથી ચીનના સંકળાવાથી રાષ્ટ્રીય સુરક્ષાને અસર થાય નહિ. હવે ચીન દ્વારા તેના રોકાણ બાબતે સ્પષ્ટ સમર્થન અપાયું નથી. હિન્કલી અણુ પ્લાન્ટના નિર્માણનો કોન્ટ્રાક્ટ ફ્રાન્સની સરકારી કંપની EDF હસ્તક છે, જેમાં ચીનનું છ બિલિયન પાઉન્ડ નાણાકીય રોકાણ છે.
બ્રિટનમાં બે દાયકામાં પ્રથમ નવું અણુ રીએક્ટર બાંધવાનો આ નિર્ણય છે. રાષ્ટ્રીય મહત્ત્વના પ્લાન્ટમાં ચીનના લીધે સુરક્ષાના પાસાને અસર થાય તેવો મુદ્દો ઉપસ્થિત થયા પછી થેરેસા મેએ આ પ્રોજેક્ટને સમીક્ષા હેઠળ મૂક્યા પછી છ સપ્તાહે મંજૂરી અપાઈ છે. બીજી તરફ, રાજદ્વારી સંબંધોને અસર થશે તેવી ચેતવણી સાથે ચીન સરકારે પણ દબાણ વધાર્યું હતું. બિઝનેસ સેક્રેટરી ગ્રેગ કલાર્કે યુકે સરકારની મંજૂરી વિના EDF તેના બિઝનેસ હિતો વેચી ન શકે તેવો પ્રતિબંધ સહિત નવા સુરક્ષા પગલાં જાહેર કર્યા છે. મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં વિદેશી રોકાણ માટે નવા રાષ્ટ્રીય સુરક્ષા ધોરણો પણ દાખલ કરાશે, જે વિદેશી માલિકી અને અંકુશ પર નોંધપાત્ર અસર સર્જશે. આના કારણે ચીન દ્વારા એસેક્સમાં સૂચિત બ્રેડવેલ પ્લાન્ટના વિકાસ તથા સફોકમાં સાઈઝવેલ બી પ્લાન્ટમાં રોકાણ પર અસર થઈ શકે છે.
સરકારે પ્રતિ કલાક ઉત્પન્ન થતી મેગાવોટ વીજળી માટે ૯૨.૫૦ પાઉન્ડ કિંમતની ખાતરી આપી છે. જોકે, આ કિંમત બજારભાવથી ઘણી ઊંચી હોવાની ચિંતા પણ વ્યક્ત કરાઈ છે. પર્યાવરણવાદીઓએ આ નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી છે, જ્યારે બિઝનેસ ગ્રૂપ્સ, એન્જિનીઅર્સ અને ટ્રેડ યુનિયનોએ આ નિર્ણયને આવકાર આપતાં કહ્યું છે કે તેનાથી નોકરીઓનું સર્જન થશે અને વીજપુરવઠાનું પ્રમાણ વધશે. ફ્રેન્ચ સરકારે પણ ફ્રાન્સમાં ૪,૫૦૦ નોકરીઓ સર્જી શકે તેવા આ નિર્ણયને આવકાર્યો છે.