નવી દિલ્હીઃ અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગે એક રિપોર્ટમાં ટ્વિટરના ભૂતપૂર્વ વડા જેક ડોર્સીની આગેવાની હેઠળની પેમેન્ટ ફર્મ બ્લોક ઇન્ક સામે ઘણા બધા આરોપો મૂક્યા છે. આ રિપોર્ટમાં કંપનીના ટોપ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ઘણા લોકો સામે પણ ગંભીર આરોપ લાગ્યા છે. તેમાં એક નામ અમૃતા આહુજાનું પણ છે. ભારતીય મૂળનાં અમૃતા પર બ્લોક ઇન્કના શેર્સને ડમ્પ કરવાનો આરોપ મૂકાયો છે. અમૃતા આહુજા બ્લોક ઇન્કમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (ચીએફઓ)ના પદે કાર્યરત છે.
અમૃતાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, ડ્યૂક યુનિવર્સિટી અને હાવર્ડ બિઝનેસ સ્કૂલ જેવી જગપ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કર્યો છે. 2019માં તેઓ બ્લોક ઇન્કમાં સામેલ થયા તે પહેલાં તેણે એરબીએનબી, મેકિન્સે એન્ડ કંપની, ધ વોલ્ટ ડિઝની કંપની વગેરે સાથે કામ કર્યું હતું. અમૃતા આહુજાએ 2001માં મોર્ગન સ્ટેન્લી સાથે એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કેરિયરની શરૂઆત કરી હતી. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર આહુજા ભારતીય મૂળનાં અમેરિકન છે અને તેના પેરન્ટ્સ ક્વિવલેન્ડમાં એક ડે-કેર સેન્ટરના માલિક હતા.