ઓકલેન્ડઃ ભારતમાં ભલે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા ગણવાના મુદ્દે છાશવારે ખેંચતાણ ચાલતી રહેતી હોય, પણ ન્યૂઝીલેન્ડ નિવાસી ભારતીયોમાં હિન્દી ભાષાનું આગવું સ્થાન છે. દેશના મુખ્ય શહેરો ઓકલેન્ડ અને હેમિલ્ટનમાં ત્રણ હિન્દી શાળાઓ ચાલે છે. જેમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક હિન્દી ભાષામાં રામાયણ, ભગવદ્ ગીતા સહિતના ભારતીય પૌરાણિક ગ્રંથો વાંચી રહ્યાં છે.
ભારતીય મૂળના લોકોએ 2001માં ઓકલેન્ડના હેન્ડરસનમાં વાયટેક્રેકીની વેસ્ટ વિંગમાં હિન્દી સ્કૂલ શરૂ કરી હતી. હકીક્તમાં, તે સમયે અહીં મોટી ઉંમરના ભારતીય લોકો આવતાં અને રામાયણ વાંચતા હતા જ્યારે તેમની સાથે આવેલાં બાળકો રમતાં રહેતાં હતાં.
એક દિવસ આ વાત ધ્યાને આવી તો શાળાના અધ્યક્ષ સત્યેન શર્માએ પૂછ્યું કે તમે રામાયણ કેમ નથી વાંચતા? તો બાળકોનો જવાબ હતો કે તેઓ હિન્દી વાંચી શકતાં નથી. આ જવાબ સાંભળીને સત્યેન શર્માએ હિન્દી શાળા ખોલવાનો વિચાર કર્યો.
ફિજીથી આવી વસેલાં કેટલાક ભારતીયોએ જવાબદારી ઉપાડી કે હિન્દીમાં લખાયેલી રામાયણને આવનારી પેઢી સુધી પહોંચાડવી જોઈએ. 2001માં જ્યારે શાળા શરૂ કરાઈ ત્યારે અહીં 40 વિદ્યાર્થીઓ હતા. આ સંખ્યા 2022 સુધીમાં વધીને 260 વિદ્યાર્થી સુધી પહોંચી છે. નવી પેઢીએ રામાયણ વાંચવું જોઈએ અને સંગીતનાં ગીતો પણ ગાવાં જોઈએ, તેથી જ 2003થી ભારતીય સંગીત અભ્યાસક્રમનો એક ભાગ બન્યું.
ભારતથી આવીને અહીં વસેલાં બસંત મધુરે તબલાં, હાર્મોનિયમ શીખવાડવાનું શરૂ કર્યું અને તેને ફિજીના માસ્ટર અશોકે એમનો સાથ આપ્યો. આ કોર્સમાં પાંચ વર્ષથી લઈને 63 વર્ષ સુધીના હિન્દી અને સંગીત શીખી રહ્યા છે.
સત્યેન શર્મા કહે છે કે ‘અમારું સૂત્ર છે, “આપણી ભાષા, આપણી ઓળખ.” ભારતીયોનો હિન્દી ભાષા અને સંગીત માટેનો લગાવ વધતો જોઇને ઓકલેન્ડમાં બીજી શાખા ખોલવામાં આવી છે.’ શર્માના જણાવ્યા મુજબ, હવે અહીં હિન્દી અને ભારતીય સંગીતની સ્પર્ધાઓ થાય છે અને સાથે જ અમે બાળકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરીએ છીએ.