કૂપવાડાઃ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) સાથે જોડાયેલી અંકુશ રેખા (એલઓસી)ના સંવેદનશીલ વિસ્તારમાં કોમી ભાઇચારાના પ્રતીકસમાન ધર્મસ્થાન આકાર લઇ રહ્યું છે. કાશ્મીરી પંડિતોએ સ્થાનિક મુસ્લિમોના સહયોગથી કૂપવાડાના ટીટવાલ વિસ્તારમાં એલઓસી નજીક એક નાનકડા શારદા પીઠ મંદિરનું નિર્માણ શરૂ કરી દીધું છે.
શારદા પીઠ મંદિર કાશ્મીરી પંડિતો માટે એક પવિત્ર તીર્થસ્થળ છે જે હાલના સમયે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં છે. ૧૯૪૭ પૂર્વે તીર્થયાત્રીઓ ટીટવાલના માર્ગે ત્યાં પહોંચતા હતા અને તેમની શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન આ મંદિરમાં પૂજાઅર્ચના કરતા હતા. જોકે દેશના ભાગલા પડ્યા બાદ શ્રદ્ધાળુઓ માટે ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું છે. કાશ્મીરી પંડિતો લાંબા સમયથી માગ કરી રહ્યા છે કે તેમને પીઓકેમાં જવાની મંજૂરી આપવામાં આવે. જોકે આ માગણી તો સાકાર થાય ત્યારે ખરી, અત્યારે તો ભારતીય પ્રદેશમાં જ મંદિર નિર્માણની કામગીરી શરૂ થઇ છે.
શારદા પીઠ મંદિરની તીર્થયાત્રા શરૂ કરવા માટે અભિયાન ચલાવી રહેલી સેવ શારદા કમિટી (એસએસસી)એ આ સરહદી ક્ષેત્રમાં મંદિર નિર્માણની સાથે અહીં ધર્મશાળાનું નિર્માણ પણ શરૂ કર્યું છે. કાશ્મીરી પંડિતોએ આને ઐતિહાસિક અવસર ગણાવ્યો છે. એસએસસી પ્રમુખ રવિન્દર પંડિતે કહ્યું કે ટીટવાલમાં મંદિર નિર્માણવાળી જગ્યામાં આવતા માર્ગ પર દર વર્ષે છડી મુબારક લાવવામાં આવતી હતી. હવે એસએસીએ સ્થાનિક મુસ્લિમોના સહયોગથી આ જમીનને હસ્તગત કરીને મંદિર નિર્માણ શરૂ કર્યું છે. શિલાન્યાસ સમારોહ બાદ કિશનગંગા નદી પર ઝીરો લાઇન પર બનેલા પુલ પર પવિત્ર જળ વિસર્જિત કરાયું હતું.
લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રાલય હસ્તકની વક્ફ ડેવલપમેન્ટ કમિટીના અધ્યક્ષ દરક્ષાન અંદ્રાબીએ મંદિરની આધારશિલા મૂકી હતી. ટીટવાલમાં મંદિર નિર્માણની સાથે શારદા લિપિ અને શારદાપીઠની સાથે રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે એક સેન્ટરનું પણ નિર્માણ બનશે.
શારદા પીઠ હતી શિક્ષણનું કેન્દ્ર
નીલમ નદીના કિનારે શારદા ગામમાં આવેલી શારદા પીઠ અત્યારે તો એક પરિત્યક્ત મંદિર છે, પરંતુ એક સમયે તે મુખ્ય શિક્ષણ કેન્દ્ર હતું. તે સાઉથ એશિયાના ૧૮ સૌથી પવિત્ર મંદિરોમાંનું એક છે. એક સમય એવો હતો જ્યારે વૈશાખી પર્વે કાશ્મીરી પંડિતો સહિત ભારતના લોકો તીર્થાટન કરવા માટે શારદાપીઠ જતા હતા.