ઢાકા: બાંગ્લાદેશમાં ખુલના ડિવિઝનમાં હિંદુ અને મુસ્લિમે કોમી એકતાની અદભૂત મિસાલ રજૂ કરી છે. બાંગ્લાદેશના બાઘેરહાટ જિલ્લામાં ફકીરહાટ અઝહર અલી ડિગ્રી કોલેજના આસિ. પ્રોફેસર પ્રણવકુમાર ઘોષે મુસ્લિમ બિરાદરોને મસ્જિદ બનાવવા માટે જમીનનું દાન કર્યું છે તો અવામી લીગના સ્થાનિક નેતા શેખ મિઝનુર રહેમાને હિંદુ પરિવારો અંતિમ સંસ્કાર કરી શકે તે માટે પોતાની જમીનનો અમુક હિસ્સો દાન આપ્યો હતો.
ફકીરહાટ ખાતેના જમીન માલિક ઘોષે આસપાસના વિસ્તારમાં કોઈ મસ્જિદ ન હોવાથી તે બનાવવા માટે જમીન દાનમાં આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ પહેલાં આ વિસ્તારમાં નાનું બંદગી સ્થળ જ હતું. તેનું સ્થાન હવે બે માળની મસ્જિદે લીધું છે. આ માટે લગભગ 4 એકર જમીન ફાળવાઈ હતી. આ જમીન આપનારા ઘોષે ફક્ત જમીન આપીને સંતોષ માન્યો ન હતો, તેઓ મસ્જિદમાં તેમની સાથે બેસીને જમ્યા પણ હતા. તેમણે ઈદગાહ માટે અત્યંત આવશ્યક જમીન આપી અને મહિલાઓ માટે નમાઝ પઢવાનું અલગ સ્થળ પણ બનાવ્યું. આ જ રીતે ભૈરવ નદી ખાતે સનાતન ધર્મ સ્મશાનગૃહ નજીક જમીન ધરાવતા શેખ મિઝનુર રહેમાને જૂનું સ્મશાન નદીના જળપ્રવાહને લીધે ધોવાઈ જતા નવું સ્મશાન બનાવવા જમીન આપી છે. ફકીરહાટ યુનિયન કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન મિઝનુરે જણાવ્યું હતું કે તેમને તે વિચારીને જ ઘણો ખેદ થયો કે એક સમાજ પાસે અંતિમ સંસ્કાર માટે સ્મશાન પણ નથી. અહીં હિંદુ અને મુસ્લિમ એમ વિવિધ સમાજના લોકો રહે છે. કિનારા પરનું સ્મશાનગૃહ નદીના પ્રચંડ જળપ્રવાહમાં તહસનહસ થઇ ગયું હતું. તેના લીધે હિન્દુઓને અંતિમક્રિયામાં તકલીફ પડતી હતી. મારી પાસે સ્મશાનગૃહની એકદમ નજીક જમીન હતી, તેથી સ્થાનિક હિંદુઓએ મારી પાસે આ જમીન માટે અનુરોધ કર્યો, અને મેં તે આપી દીધી.
ફકીરહાટ જિલ્લા કાઉન્સિલના ચેરમેન સ્વપ્ન કુમાર દાસનું માનવું છે કે આ બંને પ્રસંગો આ વિસ્તારના લોકો માટે ખૂબ પ્રેરક નીવડશે. ભાવિ પેઢીઓ આમાંથી પ્રેરણા લેશે.