હિન્દુઓને સુરક્ષા આપવા કેનેડાની પોલીસે 70 હજાર ડોલર માગ્યા

Thursday 21st November 2024 07:08 EST
 
 

નવી દિલ્હી: કેનેડા અને ભારત વચ્ચે ખાલિસ્તાન તત્વોના હિન્દુ મંદિરો પર હુમલાઓ અને હિન્દુ સમુદાયની સુરક્ષાને લઈને સંબંધો સતત બગડી રહ્યા છે. આ દરમિયાન કેનેડામાંથી એક ચોંકાવનરો અહેવાલ સામે આવ્યા છે. કેનેડામાં હવે પોલીસ પણ હિન્દુ સમુદાય પર દબાણ કરી રહી છે. કેનેડામાં હિન્દુ સમુદાય પાસેથી સુરક્ષા આપવાના બદલામાં પોલીસ પૈસાની માગણી કરી રહી છે. જોકે, આ અહેવાલને લઈને સત્તાવાર રીતે કોઈ નિવેદન સામે આવ્યું છે.
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારત-કેનેડાના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા છે. જ્યારે, ખાલિસ્તાની સમર્થકો કથિત રીતે ધમકી આપી રહ્યા છે. સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ‘પીલ પોલીસે કથિત રીતે હિન્દુ સમુદાયને સુરક્ષા આપવા માટે 70 હજાર ડોલરની માંગ કરી છે, જેનાથી હિન્દુ સંગઠનો ખૂબ નારાજ છે.’
કેનેડામાં હિન્દુ સંગઠનોએ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકાર પર અધિકારોના હનનનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર, હિન્દુ સમુદાયનું કહેવું છે કે ‘અમે ટેક્સ આપી રહ્યા છીએ, તેમ છતાં આ પ્રકારનો ભેદભાવ કેમ? પીલ પોલીસ અમારા પ્રશ્નોને ઉકેલવાને બદલે કારણ વગર દબાણ કરી રહી છે.’ સૂત્રોનું કહેવું છે કે ‘આવું લાંબા સમયથી ચાલી રહ્યું છે, કારણ કે વહીવટી તંત્ર પર ખાલિસ્તાની સંગઠનો દ્વારા હિન્દુ સમુદાયના કાર્યક્રમો રદ કરાવવા માટે દબાણ થઈ રહ્યું છે. વિશ્વમાં આ પહેલીવાર છે, જ્યારે સ્થાનિક પોલીસ લઘુમતીઓની સુરક્ષા માટે પૈસાની માંગ કરી રહી છે.’ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ અયોધ્યામાં રામમંદિર પર હુમલો કરવાની ધમકી આપી છે, ત્યાર પછી રામ જન્મભૂમિ પરિસરની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter