હિંદુકુશ પ્રદેશમાં ૨૬મી ઓક્ટોબરે ૭.૫ની તીવ્રતાના ભૂકંપે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોને હચમચાવી નાંખ્યા હતા. ૨૮૦ લોકો માર્યા ગયા છે, જ્યારે ૧૬૦૦થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઘવાયેલાઓની હાલત હાલમાં પણ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. ૨૬મી ઓક્ટોબરે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે ત્રાટકેલા પ્રચંડ ભૂકંપથી ભારતમાં તો કોઇ ખુવારી થઇ હોવાના અહેવાલ નથી, પરંતુ અફઘાનિસ્તાનથી માંડીને પાકિસ્તાનમાં જાનમાલનું વધુ નુક્સાન થયાનું નોંધાયું છે. છેલ્લા ૧૦ વર્ષમાં પાકિસ્તાનને હચમચાવી નાંખનાર આ સૌથી પ્રચંડ ભૂકંપ છે.
ભારતમાં ગુજરાતના અમદાવાદથી માંડીને જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિત અન્ય રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભયભીત થયેલો લોકો પોતાના મકાનો અને ઓફિસોમાંથી બહાર દોડી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર કાબૂલથી ૨૫૦ કિલોમીટર દૂર હિન્દુકુશ પર્વતમાળામાં જુર્મ નજીક ભૂગર્ભમાં ૨૧૩.૫ કિમીની ઊંડાઇએ હતું. પ્રચંડ ભૂકંપ પછી ઘણા આફ્ટરશોક ચાલુ રહ્યા હતા.
પ્રચંડ ભૂકંપથી પાકિસ્તાનમાં ઘણી ઇમારતો ધરાશાયી થતાં અને ભેખડો ધસી પડતાં તેમ જ નાસભાગ સર્જાવાથી ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અફઘાનિસ્તાનમાં ૩૩ લોકો ભોગ બન્યા હતા. ખૈબર પખ્તુનખ્વામાં ૯૫૬ સહિત ૧૦૦૦થી વધુ લોકો ઘવાયા છે. પાકિસ્તાનના મલાકંદ વિસ્તારમાં ભૂકંપની સૌથી ખરાબ અસર થઇ છે. ૭૪ લોકો તો આ જ પ્રદેશમાં માર્યા ગયા છે. રાહત અને બચાવ કામગીરીમાં પાકિસ્તાની સૈન્ય સામેલ થઇ ગયું છે.
ભૂકંપને પગલે અમેરિકાના પ્રવાસ બાદ લંડનમાં રોકાયેલા વડા પ્રધાન નવાઝ શરીફ ૨૬મી ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફર્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પરનો વિજય પણ નથી ઉજવ્યો. ટીમે જાહેરાત કરી કે પ્રત્યેક ખેલાડી ભૂકંપ પીડિતોની મદદ કરશે.
મોદીએ શરીફને મદદની ઓફર કરી
વિનાશક ભૂકંપથી સર્જાયેલી તબાહીને પહોંચી વળવા માટે ભારતે મદદ કરવાની પાકિસ્તાનને ઓફર કરી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સાથે ફોન પર વાત કરી છે. જાન-માલથી થયેલી ખુવારી અંગે ભારતના વડા પ્રધાને ભારે દુ:ખ વ્યક્ત કરીને શક્ય બધી સહાય આપવા માટે ભારત તૈયાર હોવાનું નવાઝ શરીફને જણાવ્યું છે.
ભારતમાં હજુ વધુ આફ્ટરશોક્સ આવશે
આ ભૂંકપ બાદ યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ભારત તરફ હજુ વધુ ભૂકંપના ઝટકાઓ આવી શકે છે.
ચીનમાં પણ આંચકા અનુભવાયા
ભૂકંપના પ્રચંડ આંચકાથી ઉત્તરપૂર્વ ચીનના ઝિનજિયાંગ ઉઇગર સ્વાયત્ત પ્રદેશના ઘણા વિસ્તારો પણ હચમચી ગયા છે. ઝિનજિયાંગના કાશગર, હોટન, અક્સુ અને કિઝિલુસના લોકો ભૂકંપના આંચકાને કારણે જીવ બચાવવા માટે લોકો પોતાના ઘરોમાં બહાર દોડી ગયા હતા. ઘણા લોકોને તમ્મર આવી ગયા હતા. જોકે, જાન-માલની ખુવારીના કોઇ અહેવાલ મળ્યા નથી.