અજબ-ગજબના રહસ્યોથી ભરપૂર એવા હિમાલયમાંથી ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ વધુ એક કૌતુક શોધી કાઢીને દુનિયાની સમક્ષ રજૂ કર્યું છે. હિમાલયના ઊંચાઈવાળા અતિ દુર્ગમ વિસ્તારોમાંથી આ વૈજ્ઞાનિકોને બે પ્રજાતિની મહાકાય કહી શકાય તેવી ઊડતી ખિસકોલીઓ મળી આવી છે. એક મીટર કરતાં વધુ લંબાઈ અને અઢી કિલો કરતાં પણ વધુ વજન ધરાવતી જાયન્ટ ઊડતી ખિસકોલીઓની પૂંછડી શિયાળ જેવી છે. વૈજ્ઞાનિકો તો આવી મહાકાય ખિસકોલીઓ વિશે ૧૩૦ વર્ષથી જાણે છે, પણ અત્યાર સુધી એમ મનાતું હતું કે તે માત્ર પાકિસ્તાનના છેવાડાના ગામડામાં જ જોવા મળે છે. જોકે, ઓસ્ટ્રેલિયા અને ચીનના સંશોધકોએ હવે એ પૂરવાર કરી દીધું છે કે મહાકાય અને રુંવાટીદાર ઊડતી ખિસકોલીઓ હિમાલયમાં પણ જોવા મળી છે. નવી શોધાયેલી બે રુંવાટીદાર ઊડતી ખિસકોલીઓની પ્રજાતિને યુન્નાન અને તિબેટિયન વૂલી ફ્લાઈંગ સ્કિવરલ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની મહાકાય ખિસકોલીઓમાં સ્થાન મેળવી શકે તેવી નવી શોધાયેલી પ્રજાતિને ચાલુ વર્ષના અંત સુધીમાં વૈજ્ઞાનિક નામ આપવામાં આવશે. અંદાજે ૪,૮૦૦ ફૂટની ઊંચાઈએ રહેતી આ ખિસકોલીઓ માનવવસ્તીથી દૂર હોવાથી તેના પર ભાગ્યે જ કોઈની નજર પડી છે.