કાઠમંડુ, નવી દિલ્હીઃ હિમાલયના ખોળે વસેલા નેપાળને આઠ દસકા બાદ ફરી એક વખત વિનાશક ભૂકંપે તહસનહસ કરી નાંખ્યું છે. વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રની ઓળખ ધરાવતા આ ખોબા જેવડા દેશમાં ઠેર ઠેર અમૂલ્ય પૌરાણિક વારસો સચવાયેલો હતો, પરંતુ આજે જ્યાં નજર ફેરવો ત્યાં ભૂકંપમાં ધરાશયી ઇમારતોના કાટમાળના ઢગલા જોવા મળે છે. સત્તાવાર મૃત્યુઆંક ૫૦૦૦ કરતાં વધુ જણાવાય છે, પણ આ કાટમાળ નીચે કેટલી જિંદગી દટાયેલી હશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.
ભારત ઉપરાંત ચીન, જપાન, રશિયા સહિત અનેક દેશોમાંથી પહોંચેલી રેસ્ક્યુ ટીમના જવાનો દિવસ-રાત જોયા વગર યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય કરી રહ્યા છે, પણ તેમના પ્રયાસ આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવા જેવા સાબિત થઇ રહ્યા છે. એક તરફ વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાયો છે અને બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુની અછત પ્રવર્તે છે. અબાલ-વૃદ્ધો ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિમાં રસ્તાઓ પર અને ખુલ્લા મેદાનોમાં આશરો લઇ રહ્યા છે. હજારો ઘરબારવિહોણા થઇ ગયા છે અને જેમના મકાન સહીસલામત બચ્યા છે તેઓ ભૂકંપ પછીના આફ્ટરશોકના ભયે પોતાના જ ઘરમાં પ્રવેશતાં ડરે છે.
રાજધાની કાઠમાંડુથી ૮૦ કિ.મી. દૂર પોખરાના લામજુંગમાં શનિવારે સવારે ૧૧:૪૧ કલાકે ૭.૯ અને પછી ૧૨:૧૯ કલાકે ૬.૬ રિક્ટર સ્કેલના ભૂકંપના બે આંચકાએ નેપાળને ઉપરતળે કરી નાખ્યું છે. વ્યાપક વિનાશને પગલે નેપાળ સરકારે દેશમાં કટોકટી જાહેર કરી છે.
રાહત-બચાવ કાર્ય સાથે જોડાયેલા લોકોના અંદાજ અનુસાર આ ભૂકંપ ૧૦,૦૦૦ વધુ માનવજિંદગી ભરખી ગયો છે. સતત આફ્ટરશોકથી નેપાળની ધરતી સતત ધણધણી રહી હોવાથી કાઠમાંડુમાંથી હજારો નેપાળીઓ પલાયન કરી રહ્યાં છે.
નેપાળમાં ૬૬ લાખ લોકો પ્રભાવિત થયાં છે. છ જિલ્લામાં મંગળવાર સુધી કોઇ રાહત કે બચાવ ટુકડી પહોંચી શકી નથી. માત્ર ગોરખા જિલ્લામાં જ ૧૦૦૦થી વધુનાં મોત અને ૧,૦૦૦થી વધુ ઇજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. લોકો લાશોની વચ્ચે રહેવા મજબૂર બની રહ્યાં છે.
કાઠમાંડુમાં નોકરી કરતી ભારતીય મહિલા રમા બહાદુરે જણાવ્યું હતું કે ટિકિટ માટે હું મારા સોનાનાં ઘરેણાં આપી દેવા તૈયાર છું. કાઠમાંડુમાં ખોરાક, પાણી અને વીજળીની ભારે અછત પ્રવર્તી રહી છે. સેનિટેશનની સમસ્યા અને દટાયેલા મૃતદેહોને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નેપાળ સરકારે વિશ્વના દેશોને સમક્ષ રાહતસામગ્રી અને મેડિકલ ટીમો મોકલવા વિનંતી કરી છે. માંદા અને ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિ કફોડી બની છે. કાઠમાંડુ મેડિકલ કોલેજનાં મેદાનોમાં ઊભા કરાયેલા તંબુઓમાં ઓપરેશનો કરવા ડોક્ટરો મજબૂર બન્યા છે.
ઐતિહાસિક વારસો નષ્ટ
નેપાળની આગવી ઓળખ સમાન ઐતિહાસિક સ્થળો ધરાહરા ટાવર, દરબાર સ્ક્વેર અને જાનકી મંદિર સંપૂર્ણપણે નાશ પામ્યાં છે જ્યારે પશુપતિનાથ મંદિર રક્ષણ દિવાલને બાદ કરતાં મુખ્ય મંદિરને ખાસ કોઇ નુકસાન થયાનું જણાતું નથી. માઉન્ટ એવરેસ્ટ પર ૧૮ પર્વતારોહીનાં મોત થયાં છે અને પર્વતારોહકોના બેઝકેમ્પ નાશ પામ્યા છે.
નેપાળે અનુભવેલા ભૂકંપના બે શક્તિશાળી આંચકાની તીવ્રતા એટલી હતી કે પર્વતાધિરાજ હિમાલય પણ હચમચી ગયો હતો. આ ભૂકંપની અસરો સમગ્ર ઉત્તર ભારત, પૂર્વ ભારતથી માંડીને છેક ગુજરાત સુધી પહોંચી હતી.
પડોશી દેશોમાં અસર
શનિવારે નેપાળના ભૂકંપની અસર પડોશી રાજ્યોમાં પણ અનુભવાઇ હતી. ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત સહિત ૧૧ રાજ્યોમાં લોકોએ આંચકો અનુભવ્યો હતો. આમાંથી બિહારમાં જાનમાલનું સૌથી વધુ નુકસાન થયું છે. ભૂકંપથી ભારતમાં ૮૨ લોકોનાં મૃત્યુ થયા છે. ભારત ઉપરાંત પાકિસ્તાનનાં લાહોર, બાંગ્લાદેશનાં ઢાકા અને તિબેટનાં લ્હાસામાં પણ આ ભૂકંપ અનુભવાયો હતો. તિબેટમાં છ, બાંગ્લાદેશમાં બે અને નેપાળ-ચીન સરહદ પર બે ચીની નાગરિકોના મોત થયાં હતાં.
‘ઓપરેશન મૈત્રી’
કુદરતના કોપનો ભોગ બનેલા નેપાળ માટે વિશ્વભરમાંથી સહાયનો ધોધ વહ્યો છે. જોકે આ બધામાં ભારત દ્વારા રાહત-બચાવ કાર્ય માટે લેવાયેલા ત્વરિત પગલાંની ચોમેરથી પ્રશંસા થઇ રહી છે. ભારત સરકારે ‘ઓપરેશન મૈત્રી’ નામથી હાથ ધરેલી કાર્યવાહીને નેપાળના પ્રજાજનો ઇશ્વરીય સહાય તરીકે ઓળખાવી રહ્યા છે.
વડા પ્રધાન મોદીએ શનિવારે જ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પરિસ્થિતનો તાગ મેળવ્યો હતો અને સાંજ સુધીમાં તો નેપાળમાં મદદ રવાના થઇ ગઇ હતી. હાલ નેપાળમાં ઇંડિયન એરફોર્સ, રેપિડ એક્શન ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફંડ, મેડિકલ ટીમ ફરજ બજાવી રહ્યા છે. ભારતે સી-૧૭ હરક્યુલિસ વિમાન દ્વારા રાહતસામગ્રી પહોંચાડી રહ્યું છે. ભારતે પ્રથમ તબક્કામાં ૧૬ એનડીઆરએફની ટીમ, ૭૦૦થી વધુ જવાનો, ૧૮ મેડિકલ યુનિટ, ૨૫૦ વાયરલેસસેટ, ૨૨ ટન ખાદ્યસામગ્રી અને ૫૦ ટન પાણીની બોટલનો જથ્થો મોકલ્યો છે. નેપાળ પ્રવાસે ગયેલા ૪૦ હજારથી વધુ ભારતીયો ત્યાં જ ફસાઇ ગયા હતા, જેમાંથી મંગળવાર સુધીમાં ૩૦૦૦ હજાર ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.
વિદેશી પ્રવાસીઓ અટવાયા
કાઠમાંડુનાં વિમાનીમથકે વિમાનોના ટ્રાફિકની અંધાધૂંધીને પગલે પૂરતી રાહતસામગ્રી પહોંચી રહી નથી, તેવી જ રીતે પ્રવાસી વિમાનીસેવાઓ અવરોધાતાં સેંકડો પ્રવાસીઓ એરપોર્ટ ખાતે કતારોમાં પોતાના વારાની રાહ જોતાં ભૂખ્યાંતરસ્યાં સમય વિતાવે છે.
ભૂકંપે નેપાળને ધમરોળ્યું ત્યારે દેશમાં ત્રણ લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ હાજર હોવાનું પ્રવાસ-પર્યટન વિભાગે જણાવ્યું હતું. આમાં પ્રવાસ-પર્યટને આવેલા સહેલાણીઓ ઉપરાંત સેંકડો પર્વતારોહકોનો પણ સમાવેશ થાય છે. હાલ વસંત ઋતુ ચાલી રહી છે અને હિમાલય સહિતની પર્વતમાળાઓનું આરોહણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય ગણાય છે.
૧૦ લાખ બાળકો પ્રભાવિત
યુનિસેફે જણાવ્યું છે કે ભૂકંપમાં ૧૦ લાખ બાળકો ગંભીર રીતે અસર પામ્યાં છે. બાળકો નૂડલ્સ, ફળ પર જીવન ગુજારી રહ્યાં છે. પાણીજન્ય રોગો મોં ફાડીને ઊભા છે.
અણુબોંબ જેટલી પ્રચંડ શક્તિ
ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર નેપાળ પર ત્રાટકેલા ૭.૯ રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપની શક્તિ ૨૦ પરમાણુબોંબ જેટલી હતી. નાગાસાકી અને હિરોશિમા પર ઝીંકાયેલા પરમાણુબોંબ કરતાં પણ આ ભૂકંપની શક્તિ અનેકગણી વધુ હતી.