લાગોસઃ આફ્રિકાના દેશ નાઈજિરિયાના ૭૬ વર્ષીય પ્રમુખ મહંમદ બુહારી વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દેશના કેટલાક નાગરિકો માની બેઠા છે કે તેમના પ્રમુખ મૃત્યુ પામ્યા છે અને તેમના હમશકલ રાજ કરે છે. આ કારણે પ્રમુખે ૩જીએ સત્તાવાર નિવેદન બહાર પાડવું પડ્યું હતું. એ નિવેદનમાં પ્રમુખે સ્પષ્ટ કર્યું હતું કે, હું જ તમારો અસલી પ્રમુખ છું. મારી જગ્યાએ કોઈ હમશકલ કે બોડી ડબલ નથી. એ બધી અફવા છે. આગામી ફેબ્રુઆરીમાં આવનારી ચૂંટણીમાં પણ હું જીતીને ફરીથી પ્રમુખ બનીશ.
બુહારી ગયા વર્ષે સારવાર માટે લંડન ગયા હતા. તેમને શું બીમારી છે તે એમણે જાહેર કર્યું નથી. લંડનમાં તેમની ૬ મહિના સારવાર ચાલી હતી. ૬ મહિના સુધી પ્રેસિડેન્ટ ગુમ રહેતા તેમના હમશકલ અંગેની અફવા ફેલાઈ હતી. હવે સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો અને પોસ્ટ ફરે છે કે જે પ્રમુખ નકલી હોવાનું કહે છે. એ વીડિયો પ્રમાણે સોમાલિયાના જુબરિલ નામના ભાઈ પ્રમુખ બુહારી જેવા જ લાગે છે. જેથી પ્રમુખના હરીફોએ તેમના સ્થાને જુબરિલને બેસાડી દીધા હોવાની અફવા ઊડી છે. આ વીડિયો નાઈજિરિયા સહિત દેશવિદેશમાં વાયરલ થયો છે.
બુહારી ૨૦૧૫માં ચૂંટાયા છે. હવે ૨૦૧૯માં ફરીથી ચૂંટણી થાય ત્યારે લડવાના છે. હાલ ૭૬ વર્ષના થયા છે અને છેલ્લા પાંચ વર્ષથી સતત બીમાર રહે છે તો પણ પદ છોડવું નથી. માટે આવા વીડિયોને લોકોએ ગંભીરતાથી લીધો હતો.